રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન ભક્તિનગર વિસ્તારમાં એક સોની વેપારીના મકાનને નિશાન બનાવીને થયેલી રૂ. 40 લાખની ચોરીના ગુનાનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરી કરનાર ભાવનગરના શખ્સને ઝડપી પાડીને ચોંકાવનારી વિગતો જાહેર કરી છે. રાજકોટના ભક્તિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા સોની વેપારીનો પરિવાર દિવાળીના તહેવાર નિમિત્તે ચોપડા પૂજન કરવા માટે બહાર ગયો હતો.


ભક્તિનગરમાં મકાનમાંથી 40 લાખની કરી હતી ચોરી

આ તકનો લાભ લઈને તસ્કરે તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તેમાંથી રૂ. 40 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનાની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ ચોરી ભાવનગરના એક શખ્સે કરી છે. પોલીસે બાતમીના આધારે ભાવનગરના શખ્સને ઝડપી પાડ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે ભાવનગરના શખ્સને ઝડપી પાડ્યો

પોલીસે આરોપીની સઘન પૂછપરછ અને તપાસના આધારે તેની પાસેથી માત્ર રૂ. 40 લાખની ચોરીનો જ નહીં પરંતુ અન્ય ગુનાઓમાં ચોરાયેલો મળીને કુલ રૂ. 70 લાખની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. 40 લાખની ચોરીના ગુનામાં 70 લાખનો મુદ્દામાલ રિકવર થતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: