સુરતના ઉધનામાં 1,550 કરોડના સાયબર ક્રાઈમના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસના વધુ 13 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અગાઉ આ કેસમાં મુખ્ય 4 આરોપી ઝડપાયા હતા. ત્યારબાદ 8 RBL બેન્કના કર્મચારી ઝડપાયા હતા. હવે આ કેસમાં 11 એકાઉન્ટ હોલ્ડર અને 2 બોગસ દુકાન ઉભી કરનારા ઝડપાયા છે. આ સાયબર ફ્રોડ કેસમાં 55 બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હતો.


ઓફિસ પર ખોટા બેનર લગાવી બેન્ક વિઝિટ મંજૂર કરતા

આ અંગે વધુ જાણકારી આપતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે તમામ લોકોની તપાસ કરતા મોટાભાગના લોકો પાસેથી છેતરપિંડીથી ડોક્યુમેન્ટ લઈ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી લોકોને લોન અપાવવાના બહાને તેમના ડોક્યુમેન્ટ લઈ બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા તો બીજી તરફ 11 લોકો એવા હતા કે જેને 50,000 રૂપિયાથી લઈ 2,00,000 કમિશન લઈ પોતાના એકાઉન્ટ ઉધાર આપ્યા હતા. અન્ય 2 લોકો ખોટા જીએસટી નંબર અને પોતાની ઓફિસ પર ખોટા બેનરો લગાવી બેન્ક વિઝીટ અપ્રુવલ કરતા હતા. આ કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્યુબાના હોવાનું સામે આવ્યું છે.

18 ઓગસ્ટે સાયબર ફ્રોડ કેસમાં સુરત પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી

ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા 18 ઓગસ્ટે જ સાયબર ફ્રોડ કેસમાં સુરત પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. 1,550 કરોડના કૌભાંડમાં 1.50 લાખ પાનાની ચાર્જશીટ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે. ગુજરાતમાં કોઈ ગુનામાં આ સૌથી મોટી ચાર્જશીટ ફાઈલ છે. ઉધના પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો હતો અને ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. 

  • Follow us on: