સુરતના વરાછા વિસ્તારમાં 32 કરોડના હીરાની થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે ખુલાસો કર્યો છે કે 32 કરોડના હીરાની ખરેખર તો ચોરી થઇ જ નથી અને જે ફરિયાદી છે તેણે જ આ ખોટું તરકટ રચ્યું હતું. હીરા કંપનીના માલીક પર 30 કરોડનું દેવુ થતાં તેણે વીમો પકવીને દેવુ ભરવાનો કારસો રચ્યો હતો.


કંપનીના માલિક ડીકે મારવાડીએ જ ચોરીની ખોટી ફરિયાદ કરી

સુરતના વરાછામાં આવેલી હીરાની કંપની ડી કે સન્સ માંમથી 18 એગષ્ટે 32 કરોડના હીરાની ચોરી થઇ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. સુરત પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરતા ફરિયાદ કરનાર કંપનીના માલિક ડીકે મારવાડીએ જ ચોરીની ખોટી ફરિયાદ કરી હોવાનું અને તેણે જ વીમો પકવવાનો કારસો રચ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

હીરા લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો

સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે કહ્યું કે સુરત હીરા લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. તપાસમાં બહાર આવ્યું કે કંપનીના માલિક પર 30 કરોડનું દેવું થયું હતું અને તેણે દેવું ભરપાઇ કરવા તથા વીમો પકવવા તરકટ રચ્યું હતું. તેમણે કહ્યું કે કંપનીમાં કોઇ પણ પ્રકારના હીરાની ચોરી થઇ નથી.

 મુખ્ય આરોપી દેવેન્દ્ર, તેના પુત્ર પિયુષની ધરપકડ

પોલીસ કમિશનરે કહ્યું કે મુખ્ય આરોપી દેવેન્દ્ર, તેના પુત્ર પિયુષની ધરપકડ કરાઇ છે તો તેને મદદ કરનાર ડ્રાઇવર વિકાસ અને રામજીવનની પણ ધરપકડ કરાઇ છે. તેમણે એમ પણ કહ્યું કે ડ્રાઇવર વિકાસ ઘટના બાદ દુબઇ ભાગી જવાનો હતો અને તેણે દુબઇની ટિકિટ પણ બુક કરાવી હતી. ચારથી પાંચ લોકોએ સાથે મળીને તરકટ રચ્યું હતું. આ કેસમાં હજુ પણ ચાર આરોપીઓ ફરાર છે જેમની શોધખોળ કરાઇ રહી છે. ચોરી કરવા પૈસા આપી માણસો બોલાવ્યા હતા.સમગ્ર તપાસમાં પોલીસને શંકા જતાં પોલીસે ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી જેમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

ડીકે એન્ડ સન્સ કંપનીમાં તસ્કરોએ 32.47 કરોડના હીરાની ચોરી

ઉલ્લેખનિય છે કે આ કેસની ફરિયાદ મુજબ હીરાની આયાત નિકાસ કરતી ડીકે એન્ડ સન્સ કંપનીમાં તસ્કરોએ 32.47 કરોડના હીરાની ચોરી થઇ હતી. ચોરો સીસી ટીવી કેમેરાનું ડીવીઆર પણ લઇ ગયા હતા આ કંપની અંદાજે 300 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તેના માલિક દેવેન્દ્ર ચૌધરીને દેવુ થઇ ગયું હતું અને દેવામાંથી બહાર આવવા તેમણે વીમો પકવવાનો કારસો રચ્યો હતો. કંપની માલિક અને આરોપી દેવેન્દ્રએ હીરાનો 20 કરોડનો વીમો લીધો હતો


  • Follow us on: