સુરત શહેરમાં ક્રાઈમની દુનિયામાં એક મોટી ઘટના સામે આવી છે. શહેરના ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં રવિવારની રાત્રે રૂપિયા 32.53 કરોડના હીરાની ચોરી થઇ છે, જે સુરતના ઈતિહાસમાં સૌથી મોટી હીરાની ચોરી તરીકે નોંધાઈ છે. આ ચોરીની ઘટનાથી સુરતના હીરા ઉદ્યોગમાં સનસનાટી મચી ગઈ છે. ચોરીને અંજામ આપવા માટે પાંચ જેટલા ચોર આવ્યા હતા, જેમણે અત્યંત ચાલાકીથી તિજોરીને કટરથી કાપીને અંદર રહેલા કિંમતી હીરા ચોરી લીધા હતા.
ચોરોએ રાત્રે બે વાગ્યા બાદ ચોરી કરી - પોલીસ
પોલીસના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ચોર રાત્રે બે વાગ્યા બાદ ચોરી કરીને ફરાર થયા હતા. ચોરી બાદ ચોર બે અલગ-અલગ રિક્ષામાં ભાગ્યા હતા. એક રિક્ષામાં ત્રણ ચોર અને બીજી રિક્ષામાં બે ચોર બેસીને ફરાર થયા હતા. રિક્ષામાં ભાગ્યા બાદ તેઓ રેલવે સ્ટેશન ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે, જેના આધારે ચોરોની ઓળખ થઇ શકે.
ચોરો મુંબઈ અથવા રાજસ્થાન ભાગ્યા - પોલીસ
પોલીસને શંકા છે કે, ચોર મુંબઈ અથવા રાજસ્થાન તરફ ભાગ્યા છે. આ માટે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે અને આંતરરાજ્ય પોલીસનો સંપર્ક સાધીને તેમને જાણ કરી છે. આટલી મોટી ચોરી સૂચવે છે કે, ચોરો કોઈ પ્રોફેશનલ ગેંગના સભ્યો હોઈ શકે છે. પોલીસે ચોરીને પકડવા માટે ચારે બાજુ નાકાબંધી કરી છે અને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હીરાના વેપારીઓમાં પણ આ ઘટનાને લઈને ભય અને ચિંતાનો માહોલ છે.