સુરતનું વરાછા મીની બજાર હીરાના અબજો રૂપિયાના વેપાર માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં આવેલી કોહીનૂર સોસાયટીમાં થોડા દિવસો પહેલાં એક બંધ મકાનને નિશાન બનાવીને અજ્ઞાત ચોર કરોડોની કિંમતના હીરા ચોરી કરી નાસી છૂટ્યો હતો. ડાયમંડ સિટીમાં હીરાની ચોરી થતાં જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યો હતો. અશ્વિનીકુમાર પોલીસની જુદી-જુદી ટીમોએ સીસીટીવી (CCTV) અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી, જેમાં ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ અગાઉ જેલમાં જઈ આવેલો રીઢો ચોર વિજય હોવાનું બહાર આવ્યું હતું.
ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉજ્જૈનમાંથી ઓપરેશન પાર પાડ્યું
ચોરી કર્યા બાદ આરોપી વિજય ઉર્ફે જાડીયો સુરત છોડીને ભાગી ગયો હતો. પોલીસને બાતમી મળી હતી કે તે ધાર્મિક સ્થળે આશરો લઈને છુપાયો છે અને હીરાનો જથ્થો વગે કરવાના ફિરાકમાં છે. અશ્વિનીકુમાર પોલીસે તાત્કાલિક એક સ્પેશિયલ ટીમ મધ્યપ્રદેશના ઉજ્જૈન મોકલી હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી વોચ ગોઠવી વિજય ઉર્ફે જાડીયાને દબોચી લીધો હતો. જ્યારે તેની ઝડતી લેવામાં આવી ત્યારે તેના કબ્જામાંથી ચોરીના તમામ 80 કેરેટ રફ તેમજ પોલીશ્ડ હીરા (કિંમત રૂ. 7.50 લાખ) અકબંધ મળી આવ્યા હતા.










