સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા અડાજણમાં સાયબર ફ્રોડની એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સાયબર માફિયાઓએ એક વૃદ્ધાને પોતાની જાળમાં ફસાવીને 'ડિજિટલ એરેસ્ટ'નો શિકાર બનાવ્યા હતા. ઠગ ટોળકીએ વૃદ્ધાને ડરાવી-ધમકાવીને સતત 5 દિવસ સુધી ઘરમાં જ હોમ એરેસ્ટ રાખ્યા હતા. આ દરમિયાન માનસિક ત્રાસ આપીને અને કાયદાનો ભય બતાવીને વૃદ્ધા પાસેથી તબક્કાવાર કુલ રૂ.30 લાખની માતબર રકમ પડાવી લીધી હતી.

ઈડી અને મુંબઈ પોલીસના નામે ગંભીર કેસમાં ફસાવવાની ધમકી આપી

આ સાયબર કૌભાંડમાં ઠગ ભગતો કેન્દ્રીય તપાસ એજન્સી ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હોવાનો સ્વાંગ રચીને વૃદ્ધાને વિડીયો કોલ દ્વારા ધમકાવતા હતા. વૃદ્ધાના નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ કે મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનો આભાસી ડર બતાવીને તેમને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. વૃદ્ધા ભારે ભયના ઓથાર હેઠળ આવી જતાં તેમણે પોતાની આજીવન બચત ગુમાવવાનો વારો આવ્યો હતો.

ભોગ બનનાર વૃદ્ધાએ સુરત સાયબર ક્રાઈમ સેલમાં નોંધાવી ફરિયાદ

સતત 5 દિવસના ડિજિટલ એરેસ્ટ અને નાણાંની સતત માંગણી બાદ પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં વૃદ્ધાએ આખરે પરિજનોને જાણ કરી હતી. ત્યારબાદ ભોગ બનનાર વૃદ્ધાએ સુરત સાયબર ક્રાઈમ સેલ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી છે. સુરત સાયબર ક્રાઈમ પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તે ખાતાઓ અને કોલ ડિટેલ્સના આધારે સાયબર માફિયાઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Dahodના લીમખેડામાં દબાણ હટાવવા તંત્રનો સપાટો, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન શરૂ, 7 સપ્ટેમ્બરથી ચાલશે બુલડોઝર!