હજીરા વિસ્તારમાં આવેલા સુવાલી ગામ નજીકથી એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં ટાટા કોલોનીની પાછળ આવેલા તળાવમાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તળાવમાં એક યુવકની લાશ તરતી જોઈ હતી. જેના પગલે તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.


મહામહેનતે લાશને તળાવમાંથી બહાર કાઢી 

લાશ તળાવના પાણીમાં હોવાથી ફાયર વિભાગના જવાનોએ મહામહેનતે લાશને તળાવમાંથી બહાર કાઢી હતી. લાશ બહાર કાઢ્યા બાદ તુરંત જ હજીરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે લાશનો કબજો લીધો હતો અને તેની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હજીરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

લાશની ઓળખ અંગે પૂછપરછ શરૂ

પોલીસનું કહેવું છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. પોલીસે હાલમાં અજાણ્યા યુવકના મોત અંગે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવક કોણ હતો તે તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો અને તેના મોતનું કારણ ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આસપાસના વિસ્તારમાં ગુમ થયેલા લોકોની ફરિયાદ અને લાશની ઓળખ અંગે પૂછપરછ શરૂ કરી છે.


  • Follow us on: