સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં એક યુવાન વેપારીને હનીટ્રેપની માયાજાળમાં ફસાવીને લાખો રૂપિયા તથા મકાન પડાવી લેવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. યુવાન વેપારી પોતાના મકાનનું ભાડું લેવા માટે ગયો હતો ત્યારે ભાડૂઆત મહિલા અને તેના સાથીદારે તેને છરી બતાવીને માર માર્યો હતો. ત્યારબાદ બળજબરીથી વેપારીના કપડાં ઉતરાવીને તેનો નગ્ન વિડીયો શૂટ કરી લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને પ્રાથમિક તબક્કે વેપારી પાસેથી રૂ.2.60 લાખની રકમ બળજબરીથી પડાવી લેવામાં આવી હતી.
બળાત્કારની અરજી કરી રૂ.70 લાખની માંગણી અને મકાન લખાવી આપવા દબાણ
પ્રાથમિક રકમ મેળવ્યા બાદ પણ આ ઠગ ટોળકી ધરાઈ નહોતી અને વધુ રૂપિયા પડાવવા માટે વેપારી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ખોટી અરજી કરી દીધી હતી. આ કેસ રફેદફે કરવાના બહાને ટોળકીએ શરૂઆતમાં રૂ.70 લાખની માતબર રકમની માંગણી કરી હતી. આખરે કહેવાતા સમાધાનના નામે વેપારી પર રૂ.38 લાખ રોકડા આપવા અથવા તો પોતાનું આખું મકાન મહિલાના નામે કરી આપવા માટે તોતિંગ માનસિક અને કાયદાકીય દબાણ કરવામાં આવ્યું હતું.
