સુરત શહેર પોલીસ કમિશનરની કડક સૂચના અન્વયે નાસતા-ફરતા રીઢા ગુનેગારોને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો અલગ-અલગ રાજ્યોમાં તપાસ ચલાવી રહી છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના હ્યુમન ઇન્ટેલિજન્સ અને સ્ટાફને એક ચોક્કસ બાતમી મળી હતી કે, વર્ષ 2012માં અમરોલી વિસ્તારમાં બનેલી એક ચકચારી હત્યાની ઘટનાનો મુખ્ય આરોપી બિહારમાં આશરો લઈને બેઠો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ ટીમ તાત્કાલિક બિહાર રવાના થઈ હતી અને સ્થાનિક પોલીસની મદદથી વોચ ગોઠવીને 14 વર્ષથી ફરાર આરોપી ભોલા સત્યનારાયણ સિંગને રંગેહાથ ઝડપી પાડ્યો છે.

સામાન્ય રૂમ ભાડા માટે મિત્રને જ મોતને ઘાટ ઉતાર્યો હતો

આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2012માં સુરતના શ્રમિક બહુલ વિસ્તાર એવા અમરોલીમાં આરોપી ભોલા સિંગ અને તેનો મિત્ર સાથે રહેતા હતા. બંને કમાણી કરવા માટે બિહારથી સુરત આવ્યા હતા અને લુમ્સ અથવા ડાઇંગ મિલોમાં મજૂરી કામ કરતા હતા. એક રાત્રે બંને વચ્ચે રૂમનું ઘર ભાડું કોણે કેટલું ચૂકવવું તે બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે, આવેશમાં આવીને ભોલા સત્યનારાયણ સિંગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પોતાના જ પરમ મિત્રની ઘાતકી હત્યા કરી નાખી હતી.

પોલીસને ચકમો આપી 14 વર્ષ કાઢ્યા

મિત્ર લોહીલુહાણ હાલતમાં ઢળી પડતાં જ ભોલા સિંગ ઘર બંધ કરીને રાતોરાત સુરત છોડીને ભાગી ગયો હતો. અમરોલી પોલીસે તે સમયે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી હતી, પરંતુ આરોપી વારંવાર પોતાના લોકેશન અને ઓળખ બદલતો હોવાથી પોલીસના હાથે લાગતો ન હતો. લાંબા સમય બાદ ક્રાઇમ બ્રાન્ચે તેના વતનની આસપાસના લોકો પર સોશિયલ મીડિયા અને લોકલ સોર્સથી નજર રાખી હતી. છેવટે ૧૪ વર્ષ બાદ આરોપી ભોલા સિંગ કાયદાના સિકંજામાં આવી ગયો છે. સુરત લાવવામાં આવ્યા બાદ તેની પ્રાથમિક પૂછપરછ કરીને ક્રાઇમ બ્રાન્ચે આગળની કાનૂની કાર્યવાહી માટે તેને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો:  Tapi: નિઝરના સુલવાડા ગામે ભૂસ્તર વિભાગ અને સુરત ફ્લાઈંગ સ્ક્વોડની મધરાતે રેડ