તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાંથી પસાર થતી તાપી નદીનો પટ ઉચ્ચ ગુણવત્તાવાળી રેતી માટે જાણીતો છે. આ કુદરતી સંપત્તિ પર લાંબા સમયથી ખનીજ માફિયાઓએ મનસ્વી રીતે કબજો જમાવી રાખ્યો હોવાની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી હતી. સ્થાનિક સ્તરે બાતમી લીક થઈ જતી હોવાના કારણે આ વખતે સુરત ફ્લાઈંગ સ્ક્વોડની સ્પેશિયલ ટીમને ઓપરેશનની જવાબદારી સોંપાઈ હતી. સુરત ખાણ વિભાગ અને તાપી ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમે ગઈકાલે મોડી રાત્રે ગુપ્ત આયોજન કરીને નિઝરના સુલવાડા ગામની સીમમાં રેડ કરી હતી.


નાવડી અને હિટાચી મશીન વડે થતું હતું મોટું સ્કેમ

અધિકારીઓ જ્યારે રાત્રે 1 થી 2 વાગ્યાની આસપાસ ખાનગી વાહનોમાં સુલવાડા ગામે નદીના પટ પર પહોંચ્યા ત્યારે ત્યાં દ્રશ્યો જોઈને ચોંકી ગયા હતા. રાત્રિના સમયે સરકારી નિયમો વિરૂદ્ધ લાઈટો ગોઠવીને હિટાચી મશીન વડે નદીમાંથી રેતી ખોદવામાં આવી રહી હતી. એટલું જ નહીં, નદીના ઊંડા પાણીમાંથી રેતી સક્શન કરવા માટે એક મોટી નાવડી (બોટ) પણ ઓપરેટ કરવામાં આવી રહી હતી. ત્યાં હાજર મજૂરો અને ચાલકોમાં સરકારી ગાડીઓ જોતા જ દોડધામ મચી ગઈ હતી.

2.50 કરોડનો મુદ્દામાલ સીઝ, પોલીસ ફરિયાદની તજવીજ

ભૂસ્તર વિભાગે કાયદાનો કોરડો વીંઝતા સ્થળ પરથી રેતી ભરીને વહન કરવા માટે લાઈનમાં ઉભેલા ૯ જેટલા હાઈટેક ડમ્પરો, રેતી ખોદવાનું હિટાચી મશીન, ટ્રેક્ટર અને નદીમાં તરતી નાવડી સહિતનો તમામ મુદ્દામાલ સ્થળ પર જ સીઝ (જપ્ત) કરી લીધો હતો. આ તમામ સામગ્રીની કુલ બજાર કિંમત અંદાજે 2.50 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને સુરક્ષિત સરકારી કસ્ટડીમાં ખસેડવામાં આવ્યા છે. ખનીજ ચોરી કરનારા મૂળ માલિકો અને કંપનીઓ સામે રોયલ્ટી ચોરી અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ કરોડો રૂપિયાનો દંડ ફટકારવાની અને કાયદેસરની પોલીસ ફરિયાદ (FIR) નોંધવાની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં એકતરફ પારો 42 ડિગ્રીને પાર, તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવશે મધ્યમ વરસાદ

  • Follow us on: