સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર 48 વર્ષીય બિલ્ડર ફૈઝલ ફટ્ટા પર અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુ વડે જાનલેવા હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વચલા રસ્તે બિલ્ડર પર ઉપરા છાપરી ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકી દીધા હતા અને ઘટનાને અંજામ આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સરેઆમ હુમલાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને સનસનાટીનો માહોલ ફેલાઈ ગયો હતો.

ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા અને લોહીલુહાણ હાલતમાં બિલ્ડર ફૈઝલ ફટ્ટાને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, શરીર પર ઊંડા ઘા વાગ્યા હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાના કારણે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. બિલ્ડરના મોતની ખબર મળતા જ તેમના પરિવારજનો અને સ્નેહીજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

બ્રિજ પર હત્યાની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હત્યારાઓની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જૂની રંજિશ, અંગત અદાવત કે નાણાકીય લેવડદેવડના કારણે આ હત્યા થઈ છે કે કેમ તે તમામ દિશાઓમાં ચોક બજાર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabad News : 1 ભૂલ અને ભરવો પડશે 1,000 રૂપિયાનો દંડ, ધો. 10 અને 12ના પેપર તપાસમાં લોચા મારનારા શિક્ષકો સામે બોર્ડની લાલ આંખ