સુરતમાં ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઈમના વધતા જતા ગુનાઓ સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને નિર્દોષ નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગ સામે સુરત સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે ટ્રેડિંગના નામે ઠગાઈ કરનાર મુખ્ય બે ઠગ્સને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

27 લાખ રૂપિયાની ઠગાઈનો આખો મામલો

ફરિયાદીને શેર ટ્રેડિંગમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં જ મોટો નફો અપાવવાની લોભામણી વાતો કરી આ ઠગોએ વિશ્વાસ કેળવ્યો હતો. આ લોભમાં આવીને ફરિયાદીએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 27 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. રોકાણ કરાવ્યા બાદ જ્યારે ફરિયાદીએ પોતાના નાણાં કે નફો પાછો માંગ્યો, ત્યારે આ આરોપીઓ અચાનક જ ફરાર થઈ ગયા હતા અને તમામ સંપર્ક સૂત્રો બંધ કરી દીધા હતા.

અમદાવાદથી બે આરોપીઓની ધરપકડ

નાણાં પડાવ્યા બાદ સંપર્ક વિહોણા થયેલા આ ઠગ્સની સઘન તપાસ સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સમીરખાન પઠાણ અને ઉષ્માન શેખ નામના બે આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે આ બને શખ્સોને અમદાવાદ ખાતેથી ઝડપી પાડીને કાયદેસરની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.


Surat News: Surat Cyber Crime Arrests Two in 27 Lakh Share Trading Scam

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા નાગરિકો માટે વિશેષ ચેતવણી

આ પ્રકારના ઓનલાઇન શેર ટ્રેડિંગ કૌભાંડો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમ પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા કે અજાણ્યા પ્લેટફોર્મ પર રાતોરાત અમીર બનાવતી સ્કીમ્સ કે ઊંચા વળતરની લાલચ આપતી એપ્સથી હંમેશા દૂર રહેવું જોઈએ. જો કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને, તો તુરંત જ રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવો અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી.


આ પણ વાંચો: Suratમાં ફાયર NOC વગર ગરબા રમાડનારાઓ સામે પોલીસ કમિશનરની આકરી ચેતવણી!