સુરત શહેરમાંથી એક અત્યંત શરમજનક અને માનવતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે.શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની છત પર પુત્રવધૂ દ્વારા પોતાની જ વયોવૃદ્ધ સાસુ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.વૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વેળાએ પુત્રવધૂ દ્વારા તેમના પર હાથ ઉપાડવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે ચકચાર મચી ગઈ છે અને સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હરકતમાં આવી ગયો છે.

બાજુની બિલ્ડિંગમાંથી નાગરિકે કેદ કરી ક્રૂરતા

પ્રાપ્ત વિગતો અનુસાર,સરથાણા સ્થિત સીમાડા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની છત પર આ ઘટના બની હતી.ગુરુકુળમાં પ્યુન તરીકે ફરજ બજાવતા કર્મચારીની પત્ની કિરણબેન પોતાની વયોવૃદ્ધ સાસુને છત પર સ્નાન કરાવી રહી હતી.આ દરમિયાન કોઈ કારણસર પુત્રવધૂનો પારો ચઢી ગયો હતો અને તેણે વૃદ્ધ સાસુને બેફામ લાફા ઝીંકી દીધા હતા.ગુરુકુળની છત પર ચાલી રહેલી આ નિર્દયતા બાજુની ખાનગી બિલ્ડિંગની ગેલેરીમાં ઉભેલા એક જાગૃત નાગરિકની નજરે ચઢી હતી.આ નાગરિકે વૃદ્ધા પર થઈ રહેલા અત્યાચારના આ દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા હતા અને બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

વીડિયો વાયરલ થતા સરથાણા પોલીસ દોડતી થઈ

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં જ સરથાણા પોલીસ સ્ટેશનની એક વિશેષ ટીમ તાબડતોબ સીમાડા સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ ખાતે દોડી ગઈ હતી.પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને વીડિયોમાં દેખાતી મહિલાની ઓળખ મેળવી હતી. તપાસમાં ખૂલાસો થયો કે ગુરુકુળમાં પ્યુન તરીકે કામ કરતા કર્મચારીની પત્ની કિરણબેન જ પોતાની વૃદ્ધ સાસુ પર આ પ્રકારે અત્યાચાર ગુજારી રહી હતી.પોલીસે તાત્કાલિક અસરથી પુત્રવધૂ કિરણબેન અને તેના પતિને પોલીસ સ્ટેશન ખાતે ઉઠાવી લીધા હતા અને કડક પૂછપરછ હાથ ધરી હતી.

પુત્રવધૂની ઓશિયાળી દલીલ અને પોલીસ કાર્યવાહી

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી પુત્રવધૂ કિરણબેને પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અજીબોગરીબ બચાવ કરતા જણાવ્યું હતું કે, સાસુ માનસિક અસ્વસ્થ છે અને તેઓ લાંબા સમયથી સ્નાન કરવા માટે તૈયાર નહોતા થતા.જેથી ગુસ્સામાં અને આવેશમાં આવીને મારાથી હાથ ઉપડી ગયો હતો.માનસિક અસ્થિરતા કે અન્ય કોઈપણ કારણોસર એક વૃદ્ધ અને અસહાય માતા પર આ પ્રકારે શારીરિક અત્યાચાર ગુજારવો ક્યારેય વ્યાજબી ઠરી શકે નહીં.પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પુત્ર અને પુત્રવધૂને મથકે બોલાવ્યા હતા અને ભવિષ્યમાં આવી હરકત ન કરવા બાબતે લેખિત માફીનામું લેવા સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી પૂરી કરી હતી.

આ પણ વાંચોઃ Junagadh News: વરસાદી સિઝન પૂર્ણ થતાં આજથી રાજ્યના અભયારણ્ય ખૂલશે, સિંહ દર્શનનો પ્રારંભ