વિશ્વ વિખ્યાત એવા એશિયાટિક સિંહોના એકમાત્ર રહેઠાણ સાસણ ગીર પ્રવાસીઓ માટે આજથી 9 ઓક્ટોબરથી ખોલી નાખવામાં આવશે,વહેલી સવારથી પર્યટકો સિંહ દર્શન માટે જંગલ સફારીનો આનંદ માણી શકશે, જેના માટે સાસણ ગીર વનવિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને પરોઢિયે પ્રથમ ટ્રીપ 6.30 કલાકે રવાના કરવામાં આવશે.સાસણના સરપંચ, ગ્રામજનો સહિતના રહેવાસીઓની ઉપસ્થિતિમાં પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવશે.
વેકેશન શિયાળુ સત્રમાં સાત દિવસ વહેલું ખુલી રહ્યું છે
મોન્સુન સત્રમાં ગઇ વખતે સાસણ ગીર સાત દિવસ મોડું બંધ થયું હતું અને શિયાળુ સત્રમાં સાત દિવસ વહેલું ખુલી રહ્યું છે.ત્યારે ગત વખતે મોન્સુન સિઝનના પહેલાના સત્ર એપ્રિલ 2025થી જૂન 2026સુધીમાં આ વર્ષે સાસણમાં 12 લાખ કરતા વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.જેમાં ખાસ કરીને ગીર અભયારણ્યમાં 2.84 લાખ અને દેવળિયા સફારી પાર્કમાં 9.27 લાખ પ્રવાસીઓએ સિંહ દર્શનનો લ્હાવો માણ્યો હતો.
આ વખતે પર્યટકોની સંખ્યામાં વધારો નોંધાયો
દર વર્ષ કરતા આ વખતે પર્યટકોની સંખ્યામાં વધારો નોંધાયો હતો.ચોમાસાના 4 મહિના સુધી વનવિભાગના સ્ટાફ માટે ખૂબ જ ચેલેન્જીંગ રહી હતી.કારણ કે,તેઓ 24 કલાક સિંહ સહિતના વન્ય પ્રાણીઓ ઉપર આ સમયમાં પણ મોનીટરીંગ કરીને રેસ્ક્યુ સહિતની કામગીરી બજાવે છે.ખરાબ રસ્તાઓની વચ્ચે સિંહ સહિતના પ્રાણીઓના આરોગ્ય બાબતે સતત દેખરેખ રાખીને મોનીટરીંગ કરે છે. ત્યારે મોન્સુન સત્રનો વેકેશન કાલ પૂર્ણ જાહેર કરવામાં આવતા આવતીકાલથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. હાલ તા. 16 ઓક્ટોબરથી તા. 26 ઓક્ટોબર સુધીની ગીર જંગલ સફારીની તમામ પરમીટ ફૂલ થયેલ છે.
સિંહ દર્શન કરતા ખાસ ધ્યાનમાં રાખો
જો તમે સાસણ કે દેવળિયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરવા જઈ રહ્યા હોવ તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. સફારી દરમિયાન જંગલના વાતાવરણ સાથે ભળી જાય તેવા કુદરતી અને ઝાંખા રંગના કપડાં, જેવા કે ખાખી, ઓલિવ ગ્રીન, બ્રાઉન કે બેજ પસંદ કરવા જોઈએ. લાલ, પીળો, નારંગી કે ચમકતો સફેદ જેવા તેજસ્વી રંગો પહેરવાનું ટાળવું,કારણ કે તે પ્રાણીઓનું ધ્યાન ખેંચી તેમને અસ્વસ્થ કરી શકે છે.સુરક્ષાની દ્રષ્ટિએ આખી બાયના શર્ટ અથવા ટી-શર્ટ અને ફૂલ પેન્ટ પહેરવા વધુ યોગ્ય છે.તેમજ ચંપલ કે સેન્ડલના બદલે પગ પૂરા ઢંકાય તેવા આરામદાયક સ્પોર્ટ્સ શૂઝ પહેરવા. સફારી જીપમાં ઊડતી ધૂળથી બચવા માટે રૂમાલ કે સ્કાફ, અને તડકાથી રક્ષણ મેળવવા સનગ્લાસ તેમજ ટોપી સાથે રાખવા. આ ઉપરાંત, જો કોઈ વન્યજીવ અચાનક વાહનની નજીક આવી જાય, તો ઉત્તેજિત થયા વગર શાંત રહેવું અને વાહનમાંથી નીચે ન ઊતરવું.
આ પણ વાંચોઃ Surat News: નાસીરનગર ડિમોલિશન કેસમાં જમીનના ડેવલપરો તપાસના ઘેરામાં, જેસીબી લાવનાર એજન્સીને તેડું