સુરતમાં અસામાજિક તત્વો અને નશાના વેપારીઓ સામે પોલીસે સકંજા વધુ કડક બનાવ્યો છે. તાજેતરમાં સુરત SOG પોલીસે બાતમીના આધારે મોટી સફળતા મેળવતા ડિંડોલી વિસ્તારમાંથી અફીણ અને ગાંજાના ગેરકાયદે જથ્થા સાથે ત્રણ ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડ્રગ્સ જથ્થો જપ્ત
પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ 1.698 કિલોગ્રામ અફીણ અને ગાંજાનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 8,49,000 આંકવામાં આવી છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી રોકડ રૂપિયા 4,01,500 તેમજ ડ્રગ્સનું વજન કરવા માટેનો ઈલેક્ટ્રીક વજન કાંટો પણ કબજે કર્યો છે. આમ, પોલીસે કુલ રૂપિયા 12,91,500 નો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે બન્યા અપરાધી
પ્રાથમિક પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, પકડાયેલા આરોપીઓએ ટૂંકા સમયમાં અને શોર્ટકટથી વધારે નાણાં કમાવવાની લાલચમાં આવીને આ ગેરકાયદે ધંધો શરૂ કર્યો હતો. તેઓ વોન્ટેડ જાહેર થયેલા એક મુખ્ય આરોપી પાસેથી આ અફીણ અને ગાંજો ખરીદીને સુરતના ડિંડોલી વિસ્તારમાં છુપી રીતે ગ્રાહકોને વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે.
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ
સુરત SOG પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કડક પગલાં લેતા NDPS એક્ટ મુજબ સત્તાવાર ગુનો નોંધી લીધો છે. આ રેકેટની પાછળ કયા-કયા મોટા માથા સંકળાયેલા છે અને વોન્ટેડ આરોપી ક્યાં છુપાયેલો છે તે દિશામાં પોલીસે વધુ સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Surat News : ઉધનામાં ‘PUMA’ બ્રાન્ડના ડુપ્લિકેટ બૂટ-ચંપલ વેચતું મોટું રેકેટ પકડાયું, CID ક્રાઇમના દરોડામાં ૩ વેપારીઓ દબોચાયા!