સુરત શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા ઈસમો સામે તંત્ર ગમે તેટલા કડક પગલાં ભરે, પરંતુ આ નકલીના સોદાગરો સુધારવાનું નામ લઈ રહ્યા ન હોય તેમ એક બાદ એક નકલી વસ્તુઓનો વેપલો ઝડપાયો છે. તાજેતરમાં જ સુરતમાંથી ફરી એકવાર શંકાસ્પદ અને નકલી ઘી ઝડપાઇ આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
વેડ રોડ પર આવેલી ડેરીમાં રેડ
સુરત શહેરના સંવેદનશીલ અને વ્યસ્ત ગણાતા વેડ રોડ વિસ્તારમાંથી આ મોટો પર્દાફાશ થયો છે. વેડ રોડ પર આવેલી જય યોગેશ્વર ડેરી નામની દુકાનમાં મોટા પાયે નકલી ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. પોલીસે બાતમીના આધારે આ ડેરી પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

કેવી રીતે બનાવવામાં આવતું હતું નકલી ઘી?
પ્રાપ્ત વિગતો અનુસાર, જય યોગેશ્વર ડેરી સંચાલકો અસલી ઘીના નામે ગ્રાહકોને ઝેર વેચી રહ્યા હતા. વનસ્પતિ ઘીમાં સોયાબીન તેલ અને હળદર મિક્સ કરીને અસલી ઘી જેવો જ દેખાવ અને સુગંધ લાવવામાં આવતી હતી. આ ડુપ્લિકેટ ઘીને અસલી ઘી તરીકે પેક કરીને બજારમાં ગ્રાહકોને વેચવામાં આવતું હતું, જે લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

ચોક બજાર પોલીસ દ્વારા ગુનો દાખલ
આ ગંભીર મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ડેરી સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ડુપ્લિકેટ ઘીના નમૂનાઓ FSL અને ફૂડ સેફટી વિભાગમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ નેટવર્કની સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલું છે અને આ નકલી ઘી ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો - Surat: ગોડાદરા વિસ્તારમાં રોડના ખાડામાં પટકાતાં યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત, ખાડાથી નગરજનોમાં ભારે આક્રોશ