સુરત શહેરમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને રોકાણની મોટી લાલચો આપી કરોડો રૂપિયા પડાવી લેતી ગેંગનો સુરત પોલીસની ઇકો સેલે પર્દાફાશ કર્યો છે. અડાજણ વિસ્તારમાં રહેતા અને ફર્નિચરના બિઝનેસ ઉપરાંત વરાછા શ્રેયસ ડાયમંડમાં 'મનરોસો ઇમ્પેક્ષ પ્રા.લી.' ના નામે હીરાનો વેપાર કરતા કેતન ભીખાલાલ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ સુરત પોલીસ કમિશનર દ્વારા ઇકો શેલને સોંપવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

સુરતમાં લેબગ્રોન ડાયમંડના નામે કરોડોનું ફુલેકું

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2021 માં ફરિયાદી કેતન પટેલનો સંપર્ક તેમના મિત્ર રોહિત બલર મારફતે વેદ રોડ ખાતે આવેલી 'એશિયન લેબગ્રોન ડાયમંડ એલએલેપી' ના ભાગીદાર સંદીપ જસાણી સાથે થયો હતો. સંદીપ જસાણીએ કેતનભાઈને લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં બહુ મોટી કમાણી હોવાની વાત કરી હતી. ત્યારબાદ સંદીપે અન્ય ભાગીદારો ઘનશ્યામ જસાણી, અંકુશ નાકરાણી અને ઉમેશ નાકરાણી સાથે મુલાકાત કરાવીને પોતાની કંપનીમાં લેબગ્રોન હીરા બનાવવાની મશીનરી મુકાવવા માટે પ્રેરિત કર્યા હતા. આરોપીઓની વાતોમાં આવી જઈને કેતનભાઈએ અમેરિકા રહેતા પોતાના બહેન અને જીજાજી પાસેથી મોટી રકમ મંગાવીને આ કંપનીમાં કુલ 3.50 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ઉત્પાદન બંધ કરી કંપની સકેલી લીધી

રોકાણ મેળવ્યાના થોડા સમય બાદ આરોપીઓએ હીરાનું ઉત્પાદન અચાનક બંધ કરી દીધું હતું. કેતનભાઈએ જ્યારે પોતાના રોકાણ કરેલા 3.50 કરોડ રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ પૈસા આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને ગોળ ગોળ જવાબો આપી છેતરપિંડી આચરી હતી. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઇકો શેલ દ્વારા ગુનો નોંધી આરોપી અંકુશ અને સંદીપની ધરપકડ કરાઈ હતી. કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ પૂછપરછ પૂર્ણ થતાં બંનેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ હવાલે કરાયા છે.

આ પણ વાંચો: Surat: પાંડેસરા, ઉધના અને પર્વતપાટિયા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, અસહ્ય ઉકળાટથી મળી મોટી રાહત