સુરત RTOની ડ્રાઈવિંગ ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવી આપવાનો દાવો કરી આપી સાતથી દસ હજાર રૂપિયા પડાવી નકલી લર્નિંગ લાઇસન્સ આપતી ટોળકીના ચાર લોકોને SOGએ પકડી લીધા હતાં. આ ટોળકી પાસેથી પોલીસને 13 નકલી લર્નિંગ લાઇસન્સ પણ મળી આવ્યા હતા.જે તેમણે એપ્લિકેશનથી મદદથી એડિટ કરીને બનાવ્યા હતા.SOGની ટીમે શનિવારે સાંજે બાતમીને આધારે કાપોદ્રા રાજગાર્ડન રોડ પાસે વોચ ગોઠવી આપી હતી.પ્રજેશ ઉર્ફે રઘુ જગદીશ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલ શેખડિયા, પ્રફુલ્લ ઉર્ફે RTO વિપુલ પટેલ રવજી ગજેરા અને રવિ જેઠા ગાંગડિયાને ઝડપી લીધા હતા.
ટેસ્ટ વિના જ લર્નિંગ લાઇસન્સ અપાવવાનો દાવો
આ ચારેય શખ્સો લોકો પાસેથી સાતથી 10 હજાર રૂપિયા વસૂલી ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લર્નિંગ લાઇસન્સ અપાવવાનો દાવો કરતા હતા. અનેક લોકો પાસેથી આ રીતે તેમણે નાણાં પણ વસૂલ્યા હતા.પોલીસે ચારેયને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૧૩ લર્નિંગ લાઇસન્સ મળી આવ્યા હતા. જેમાં બે લાઇસન્સે પોલીસનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. બંને પર ફોટો એક જ વ્યક્તિનો હતો. જ્યારે તેમના નામ-સરનામા અલગ હતા. સખ્તાઇથી પૂછપરછ કરતાં પ્રજેશે આ તમામ લાઇસન્સ બનાવટી હોવાનું જણાવ્યું હતું.
