આગામી ઉનાળા વેકેશનને લઈને અમદાવાદથી દેશના વિવિધ સ્થળો માટે ઉપડતી ટ્રેનોમાંથી મોટાભાગની ટ્રેનો મે મહિનાના અંત સુધીની તારીખોમાં અત્યારથી જ રિગ્રેટ (હાઉસફૂલ)ની સ્થિતિમાં જોવા મળી રહી છે. અમદાવાદ-ગોરખપુરની ટ્રેન નં. 19421માં તા.19 એપ્રિલનું સ્લીપર ક્લાસનું વેઇટિંગ 209 સુધી પહોંચી ગયું છે? અમદાવાદથી દિલ્હી, જયપુર, લખનઉ, વારાણસી, ઉજ્જૈન, હરિદ્વાર, શિમલા, મનાલી, ઋષિકેશ, ઉદયપુર, મુંબઈ, ગોવા, ચેન્નાઈ, બેંગ્લુરુ સહિતના ડેસ્ટિનેશનો તરફ જતી ટ્રેનોમાં મુસાફરોનો અતિભારે ધસારો જોવા મળી રહ્યો છે.

થોડા જ કલાકોમાં ટિકિટ ફૂલ થઈ જાય છે

સ્લીપર ક્લાસમાં 200થી વધુ, ૩-ટીયર એસીમાં 80થી વધુ, 2-ટીયર એસીમાં 40 સુધીનું વેઇટિંગ લિસ્ટ વિવિધ ટ્રેનોમાં વિવિધ તારીખોમાં જોવા મળી રહ્યું છે. ટ્રેનોમાં બુકિંગ ખુલતાની સાથે જ થોડા જ કલાકોમાં ટિકિટ ફૂલ થઈ જાય છે. તત્કાલ ટિકિટ મેળવવી હાલના સંજોગોમાં લોટરી લાગ્યા સમાન જ છે. બે-ત્રણ મહિના પહેલા બુકિંગ કરવા છતાંય કન્ફર્મ ટિકિટ મળવી મુશ્કેલ છે. વેકેશનની યોજના બનાવીને બેઠેલા પરિવારો જો ટ્રેનની ટિકિટ કન્ફર્મ નહીં થાય તો આખા પ્લાનિંગ પર પાણી ફરી વળશે તે વિચારીને ચિંતામાં મૂકાયા છે.

રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ પર ભીડ

જોકે પ્રવાસે જવું જ છે તેવા મક્કમ નિર્ધાર સાથે કેટલાક પરિવારોએ વૈકલ્પિક મુસાફરી તરીકે પ્રાઈવેટ બસ, ફ્લાઈટ અને કાર ટ્રાવેલ્સની પણ તૈયારીઓ કરી રાખી છે. રેલવે દ્વારા સમય સ્પેશિયલ ટ્રેનો દોડાવાય છે પરંતુ તે ટિકિટ બુકિંગ ખૂલતાની સાથે જ ફૂલ થઈ જાય છે. વધારાના કોચ પણ મુસાફરોની અતિભારે ધસારા માટે પૂરતા નથી.અમદાવાદ અને સાબરમતી રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ પર ભીડ જોવા મળી રહી છે. રિઝર્વેશન કાઉન્ટર પર લાંબી લાઈનો લાગી રહી છે. વેઈટિંગ હોલમાં પણ જગ્યા અપૂરતી સાબિત થઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે.


આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં 48 કલાકમાં તાપમાનમાં 2થી ત્રણ ડિગ્રીનો વધારો થશે, કચ્છમાં હિટવેવનું એલર્ટ