સુરતમાં જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે 42 લાખથી વધુની ઠગાઈ કરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરીને આંતરરાજ્ય સાયબર ક્રાઈમ ગેંગના મોટો રેકેટનો પર્દાફાશ કર્યો છે.આ ઠગ ગેંગ દ્વારા ફ્લિપકાર્ટ કંપનીની સેલર પ્રોટેક્શન ફંડ પોલિસીનો ગેરકાયદેસર દુરુપયોગ કરવામાં આવ્યો હતો.આ સાયબર ક્રિમિનલ્સે માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં એક જ ડિવાઈસ અને એક જ IP એડ્રેસ પરથી 5121 જેટલા બોગસ ઓર્ડર પ્લેસ કર્યા હતા.

કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કરીને ઓર્ડર બુક કરાતો

આરોપીઓ ખૂબ જ ચાલાકીથી કેશ ઓન ડિલિવરી વિકલ્પ પસંદ કરીને ઓર્ડર બુક કરતા હતા.ઓર્ડર પ્લેસ થયા બાદ નિયમ અનુસાર કંપની પાસેથી માત્ર 3 દિવસમાં સેલર તરીકે પેમેન્ટ મેળવી લેતા હતા અને ચોથા દિવસે તે ઓર્ડર કેન્સલ કરી દેતા હતા.આ રીતે તેમણે કંપનીની સિસ્ટમની ખામીનો લાભ ઉઠાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.આ સમગ્ર રેકેટમાં મુખ્ય આરોપી આશરફ અને તેનો ભાગીદાર રક્ષિત મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ મારફતે ઝારખંડની કુખ્યાત જામતારા ગેંગ સાથે સીધા સંપર્કમાં હતા.જામતારા ગેંગની મદદથી ફેક સેલર આઈડી અને ઓર્ડર જનરેટ કરવાનું આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.

10 મહિનાની અંદર 2.46 કરોડના શંકાસ્પદ વ્યવહારો થયા

સાયબર ક્રાઈમ પોલીસને તપાસ દરમિયાન આરોપી રક્ષિતના બેંક ખાતામાંથી છેલ્લા 10 મહિનાની અંદર 2.46 કરોડના શંકાસ્પદ અને મોટા નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે.આ ઉપરાંત આરોપીઓ પાસેથી 25 જેટલા ફેક જીમેલ આઈડી પણ મળી આવ્યા છે જેનો ઉપયોગ બોગસ એકાઉન્ટ્સ બનાવવા માટે કરવામાં આવતો હતો.સુરત સાયબર ક્રાઈમ પોલીસે મુખ્ય આરોપી આશરફ અને રક્ષિત સહિત આંતરરાજ્ય ગેંગના અન્ય સભ્યો સામે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને દેશભરમાં આવી જ રીતે બીજી કઈ કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે, તે દિશામાં પોલીસ હાલમાં ઘેરી તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ Breaking News : રાજ્યમાં 'નેક્સ્ટ જનરેશન ઇ-ચલણ' સિસ્ટમ અમલમાં: 3 દિવસમાં મળશે મેસેજ, દંડ ન ભર્યો તો વાહન બ્લેકલિસ્ટ થશે