સુરતમાં સારોલીની શ્યામ સંગિની માર્કેટમાં અગનખેલ કરનારા આરોપી વિનોદ સાવલેને આખરે ક્રાઈમ બ્રાંચે પકડી પાડ્યો હતો.શેઠ પાસે 10 હજારના બાકી પગારનો બદલો લેવા પૂર્વ એકાઉન્ટન્ટે જ પેટ્રોલ છાંટી માર્કેટ સળગાવ્યાનો કાંડ આચર્યો હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે.સામાન્ય વ્યક્તિ માટે 10 હજારની કિંમત શું હોય છે?તેનું શેઠને ભાન કરાવવા સાથે સબક શીખવવા સાવલેએ આ કાંડ કર્યો હતો.સાવલેના આ ભયાનક કારનામાથી માર્કેટને અધધ 24 કરોડનું નુકસાન પહોંચ્યું હતું.

8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ભીષણ આગ ફાટી નીકળી

મળતી વિગતો પ્રમાણે શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટના છઠ્ઠા માળે ગત 8 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ભીષણ આગ ફાટી નીકળી હતી.માર્કેટના છઠ્ઠા માળની અલગ-અલગ દુકાનોમાં રાખેલા કાપડના જથ્થા સહિત અંદાજે 24 કરોડથી વધુનો માલ-સામાન ખાખ થઈ ગયો હતો.શરૂઆતમાં અકસ્માતે આગ લાગી હોવાની વાતો વચ્ચે સારોલી પોલીસની તપાસમાં આગ કોઈ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાનો ખુલાસો થયો હતો.પોલીસે ભોગ બનનારા વેપારીઓના નિવેદન લેવા સાથે સીસીટીવી ફૂટેજ ચેક કરતા આગ ચાંપતો યુવક નજરે પડી ગયો હતો.જે ફૂટેજનું માઈક્રો એનાલિસિસ કરાતા અગનખેલ કરનારો આરોપી વિનોદ પંડિત સાવલે હોવાનું ખૂલ્યું હતું.અગ્નિકાંડ આચરી પરિવાર સાથે ભાગી છૂટેલા વિનોદને ક્રાઈમ બ્રાંચે આખરે ડિંડોલીના ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો હતો.

30 હજારના માસિક પગારે એકાઉન્ટન્ટ તરીકે નોકરી

પોલીસ પૂછપરછમાં આરોપી વિનોદે ખોફનાક કાંડની કબૂલાત કરી હતી.તેણે એપ્રિલ-2026માં શ્યામ સંગિની માર્કેટની શોપ નં 639માં આવેલી જેકોર્પ ઇન્ડિયા અને જગદંબા ટેક્સટાઈલના શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરને ત્યાં રૂ.30 હજારના માસિક પગારે એકાઉન્ટન્ટ તરીકે નોકરી શરૂ કરી હતી.નોકરી દરમિયાન શેઠ હનુમાન જવર અને મુખ્ય એકાઉન્ટન્ટ સુમિત તેને તને એકાઉન્ટનું 10 ટકા કામ પણ નથી આવડતું તેમ કહી માનસિક રીતે હેરાન કરતા હતા.જેથી કંટાળીને વિનોદે નોકરી છોડી દીધી હતી.નોકરી છોડ્યા બાદ તેના પગારના 10 હજાર લેવાના બાકી નીકળતા હતા.અવારનવાર માગણી કરવા છતાં શેઠ અને એકાઉન્ટન્ટ સુમિત રૂપિયા આપવાની આનાકાની કરવા સાથે અપમાનિત કર્યા હતા.

આગ માનવસર્જિત હોવાના સમાચાર ફેલાતા જ વિનોદ ગભરાયો 

આગ લગાડી વિનોદ સાવલે બાઇક પર ઘરે ગયો હતો.પહેલાં તો તેને એવું હતું કે અન્ય આગની જેમ આ આગ પણ આકસ્મિક હોવાનું વેપારીઓ માની લેશે.પોલીસ ચોપડે પણ આગની જાણવાજોગ નોંધ થશે.જોકે,બીજા દિવસે આગ માનવસર્જિત હોવાના સમાચાર ફેલાતા જ વિનોદ ગભરાયો હતો અને મોબાઇલ બંધ કરી પરિવાર સાથે ભાગી છૂટ્યો હતો.વળી તેને અંદાજો ન હતો કે આગ આટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. આગ લગાડીને ફરાર થઈ ગયેલા વિનોદે બીજા દિવસે ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં પોતાની સીસીટીવી ઈમેજ જોઈ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો.તે રાજસ્થાનના ખાટુશ્યામ મંદિર અને યુપીના અયોધ્યા ખાતે નાસી ગયો હતો.રૂપિયા ખલાસ થવા સાથે આગ કાંડનો મામલો શાંત પડી ગયો હોવાનું માની તે સુરત આવતા ક્રાઈમ બ્રાંચની ઝપટે ચઢી ગયો હતો.

વેપારીઓને 24 કરોડથી વધુનું નુકસાન થયું

શેઠના વર્તનથી રોષે ભરાયેલા વિનોદે શેઠને સબક શીખવવા અને દસ હજારની કિંમત સમજાવવા માર્કેટમાં આગ લગાડવાનું નક્કી કર્યું હતું.ઘટનાના આગલા દિવસે તેણે દેવધ ગામના ઇન્ડિયન પેટ્રોલ પંપ પરથી પ્લાસ્ટિકની બોટલમાં રૂ.150નું પેટ્રોલ ખરીદી પોતાની બેગમાં સંતાડી દીધું હતું.8 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે તે માર્કેટમાં પહોંચ્યો હતો અને પાંચમા માળના પગથિયા પર બેસીને માર્કેટ બંધ થવાની અને કારીગરોની જવાની રાહ જોઈ રહ્યો હતો.રાત્રે સવા બારક વાગ્યે આખી માર્કેટ સુમસામ થઈ જતાં વિનોદે મોંઢે સફેદ રૂમાલ બાંધી શેઠ હનુમાન જવરની દુકાન બહાર પડેલા કાપડના પાર્સલો પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દીધી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેમાં વેપારીઓને 24 કરોડથી વધુનું નુકસાન થયું હતું.

શ્યામ સંગિનીના અનેક વેપારીઓની દિવાળી બગાડી 

પોતાના શેઠ હનુમાનપ્રસાદ જવર સાથે બદલો લેવા વિનોદ સાવલેએ અગનખેલ કર્યો હતો.જોકે, શેઠ સાથેના બદલો લેવા કરેલા આગ કાંડથી અન્ય નિર્દોષ વેપારીઓ પણ ભોગ બન્યા હતા.છઠ્ઠા માળે આવેલી દુકાનોના માલિકોને 24 કરોડનું નુકસાન પહોંચ્યું હતું.આ સિવાય ફાયરની ટીમના પાણીના મારાથી અન્ય ફ્લોરના વેપારીઓનો માલ પણ બગડી ગયો હતો.જે નુકસાનીનો આંકડો પણ મોટો છે.સાથેસાથે આગ લાગ્યા બાદ સમગ્ર માર્કેટને સીલ મારી દેવાતા બિઝનેસ લોસ પણ કરોડોનો થઈ રહ્યો છે.વિનોદ સાવલેના આ કાવતરાથી શ્યામ સંગિનીના અનેક વેપારીઓની દિવાળી બગાડી ગઈ છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં AMTS અને BRTS બસના ચાલકો બેફામ, 3 વર્ષમાં 40થી વધુ લોકોના જીવ લીધા