સુરત શહેરમાં ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૪ કલાકની અંદર એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં છેડતીની અદાવતમાં થયેલી હત્યાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં જ મોડી રાત્રે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હોડી બંગલા વિસ્તારમાં વધુ એક યુવકની કરપીણ હત્યાથી શહેર ધણધણી ઉઠ્યું છે. અલ્તામસ અન્સારી નામના યુવકને તેના જ સંબંધીએ મોતને ઘાટ ઉતારી દેતા લાલગેટ પંથકમાં સનસનાટી મચી ગઈ છે.


જાહેરમાં તીક્ષ્ણ હથિયારો ઉછળ્યા, પરિવારમાં આક્રંદ

પોલીસના સત્તાવાર સૂત્રો અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક અલ્તામસ અન્સારી અને હુમલાખોર શેર અન્સારી બંને એકબીજાના નજીકના સંબંધી છે. બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી કોઈ બાબતે અંગત અદાવત અને મનદુઃખ ચાલી રહ્યું હતું. મોડી રાત્રે હોડી બંગલા પાસે બંને સામસામે આવી જતાં મામલો બિચક્યો હતો. સામાન્ય બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી અને ઉશ્કેરાયેલા શેર અન્સારીએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે અલ્તામસ પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે અલ્તામસ અન્સારીએ ઘટનાસ્થળે જ તરફડિયા મારીને દમ તોડી દીધો હતો.

3દિવસમાં 4 હત્યાથી સુરત પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો

ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર/સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી શેર અન્સારી વિરૂદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી દરોડા શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાનો આ ચોથો બનાવ છે. સતત થઈ રહેલા ખૂની ખેલના કારણે સુરત પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સ્થાનિક નાગરિકો ભારે આક્રોશ સાથે સવાલો ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: Kutch: માધાપરના બે શખ્સો સામે મ્યુલ એકાઉન્ટનો ગુનો દાખલ, કરોડોના ડિજિટલ સ્કેમમાં કાયદાકીય સકંજો

  • Follow us on: