સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ કમિશનરની ખાસ સૂચનાથી સારોલી પોલીસ, ઝોન-7 LCB અને સચિન પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. પોલીસની આ સ્પેશિયલ કામગીરીમાં લાખોની ઠગાઈ કરનાર કાપડ દલાલ, 8 વર્ષથી નાસતો ફરતો પ્રોહિબિશનનો આરોપી અને 11 જુગારીઓ રોકડ તથા મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે.

કાપડ વેપારી સાથે રૂ. 4.38 લાખની ઠગાઈ કરનાર દલાલ ગોડાદરાથી પકડાયો

સારોલી વિસ્તારમાં આવેલા કાવઠીયા ઈન્ડસ્ટ્રીઝના ભાગીદાર યોગેશભાઈ કાવઠીયા પાસેથી શિવ કૃપા સિલ્ક મિલ્સના સંચાલકો તેમજ દલાલ બજરંગી મિશ્રાએ રૂ. 7.60 લાખથી વધુની કિંમતનો ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો. શરૂઆતમાં થોડી રકમ આપીને વિશ્વાસ કેળવ્યા બાદ બાકી નીકળતા રૂ. 438342ની ચુકવણી કર્યા વિના જ દુકાન બંધ કરીને શટર પાડી દીધું હતું.આ અંગે ગુનો નોંધાતા સારોલી પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સરવેલન્સના આધારે મુખ્ય દલાલ બજરંગી જગદીશ મિશ્રાને ગોડાદરાથી ઝડપી લીધો છે. જ્યારે ઠગાઈમાં સામેલ અન્ય બે ભાગીદારો વસંતકુમાર પટેલ અને સાહિલ પટેલને પકડવા તપાસ ચાલુ છે.

મહારાષ્ટ્રના પુણેથી 8 વર્ષથી વોન્ટેડ પ્રોહિબિશનનો આરોપી

વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચલાવાતી ખાસ ઝુંબેશ હેઠળ ઝોન-7 LCBની ટીમે મહારાષ્ટ્ર સુધી લંબાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું છે. વર્ષ 2018થી ડૂમસ તેમજ વલસાડના ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં કલમ 70ના વોરંટ સાથે નાસતા ફરતા આરોપી આકાશ ઉર્ફે અશોક ઉર્ફે અમન અવિનાશ વાઘને દબોચી લેવાયો છે. આરોપી પુણેના ગ્રામીણ વિસ્તારમાં એક ખાનગી કંપનીમાં ઓળખ છુપાવીને નોકરી કરતો હતો, જ્યાં LCBની ટીમે સતત ત્રણ દિવસ સુધી ગુપ્ત વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો.

સચિનમાં જન્માષ્ટમી પૂર્વે દરોડો: 11 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

શ્રાવણી તહેવારોને પગલે જુગાર અને દારૂની બદી અટકાવવા સચિન પોલીસ દ્વારા હાથ ધરાયેલા વિશેષ પેટ્રોલિંગ દરમિયાન સચિન પારડીના શિવનગર ખાતે ખુલ્લામાં પાના ટીંચતા 11 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી દિપક કોગે અને રાજેશ નાગરે સહિતના શખ્સો પાસેથી રૂ. 18410ની રોકડ રકમ તથા 7 નંગ મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 53410નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Rajkot News: તુલશેશ્વર મહાદેવ મંદિરના પૂજારી અને લોહાણા સમાજના લોકો વચ્ચે વિવાદ