રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલા તુલસીશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયેલા લોહાણા સમાજના એક યુવકને મંદિરમાં પ્રવેશવાની કથિત મનાઈ ફરમાવવાનો મામલો સામે આવતા મોટો વિવાદ સર્જાયો છે.આ ઘટનાના વિરોધમાં લોહાણા સમાજના યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને રેલી સ્વરૂપે મંદિરે પહોંચ્યા હતા અને પૂજારી વિરૂદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
લોહાણા સમાજના યુવાનો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો
રઘુવંશી સમાજના યુવક રચિત તન્ના જ્યારે તુલસીશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે મંદિરના પૂજારી મહેશભાઈ દ્વારા તેમને મંદિરમાં પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. યુવકે આ સમગ્ર ઘટનાનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જેનાથી સમગ્ર લોહાણા સમાજમાં અસંતોષની લાગણી જન્મી હતી.બીજી તરફ, મંદિરના પૂજારી મહેશભાઈએ યુવક પર મંદિરમાંથી ચોરી કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ આરોપોને કારણે પૂજારી અને લોહાણા સમાજના યુવાનો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.
