સુરત જિલ્લાના કીમ વિસ્તારમાંથી વાલીઓ માટે અત્યંત ચેતવણીરૂપ અને લાલબત્તી સમાન એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કીમમાં ગરબા ક્લાસ ચલાવતા એક સંચાલકે તેના જ ક્લાસમાં આવતી એક સગીર વયની દીકરીને પ્રેમની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ સંચાલક સગીરાને ભગાડી ગયો હતો અને કાયદાની આંખમાં ધૂળ નાખીને તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ સગીરાના વાલીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેમણે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

લગ્નની સત્તાવાર નોંધણી પણ કરાવી લીધી

મળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની અને હાલ કીમમાં રહેતો ગરબા ક્લાસનો સંચાલક દેવેશ ઉર્ફે દેવસર પાંડે સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો.કાયદેસર રીતે સગીરાની ઉંમર લગ્ન લાયક ન હોવાથી તેણે કાયદામાંથી બચવા માટે એક મોટું ષડયંત્ર રચ્યું હતું.દેવેશે સગીરાને પુખ્ત વયની દર્શાવવા માટે તેનો જન્મનો ખોટો અને બોગસ દાખલો બનાવડાવ્યો હતો.આ ગુનાહિત કૃત્યમાં તેણે પોતાના મિત્ર સંજીત યાદવની મદદ લીધી હતી અને આ જ નકલી દસ્તાવેજના આધારે લગ્નની સત્તાવાર નોંધણી પણ કરાવી લીધી હતી.

દેવેશ પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો

વાલીની ફરિયાદના પગલે પોલીસે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે આરોપી દેવેશ પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો. જો કે, કીમ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન રાખ્યા હતા. આખરે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઘટનાના પાંચ મહિના બાદ મુખ્ય આરોપી ગરબા સંચાલક દેવેશ પાંડે અને તેને નકલી દસ્તાવેજ બનાવવામાં મદદ કરનાર તેના મિત્ર સંજીત યાદવ બંનેને પકડી પાડ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ પણ વાંચોઃ Surat News: લાંચના ગુનાનો ફરાર આરોપી પત્રકાર મહંમદ ઇસ્માઇલ પઠાણ ઝડપ્યો