સુરત શહેરમાં સલૂન, સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગોડાદરા વિસ્તારમાં આવેલા 'સ્ટાર યુનિસેક્સ સલૂન'માં બહારથી માત્ર વાળ કાપવા અને ફેસિયલના બોર્ડ લગાવાયા છે, પરંતુ તેની અંદર ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલીને દેહવ્યાપારનો ધંધો ધમધમી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સલૂન પર રેડ પાડી હતી.

મહિલા મેનેજર ઝડપાઈ, સંચાલિકા ફરાર

પોલીસે જ્યારે સલૂનની અંદર દરોડો પાડ્યો ત્યારે ત્યાં અંદરના ભાગે બનેલી કેબિનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું રંગેહાથ ઝડપાયું હતું. પોલીસે સ્થળ પરથી સલૂનનું હેન્ડલિંગ કરતી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવતી મહિલા મેનેજરની અટકાયત કરી લીધી છે. જોકે, આ સેક્સ રેકેટની મુખ્ય સૂત્રધાર અને સલૂનની મુખ્ય સંચાલિકા આસ્મા પોલીસ રેડ દરમિયાન હાથ લાગી ન હતી, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ભોગ બનનાર મહિલાઓને મુક્ત કરાવાઈ

પોલીસના આ સફળ ઓપરેશન દરમિયાન સલૂનની અંદરથી દેહવ્યાપારના આ નરકમાં ધકેલાયેલી બે નિર્દોષ મહિલાઓ મળી આવી હતી. પોલીસે આ બંને મહિલાઓને સલૂનમાંથી સહીસલામત મુક્ત કરાવીને આગળની કાઉન્સેલિંગની પ્રક્રિયા હાથ ધરી છે. ગોડાદરા પોલીસે સલૂનમાંથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી કબ્જે કરી છે. પોલીસે પકડાયેલી મહિલા મેનેજર અને વોન્ટેડ આસ્મા વિરુદ્ધ ઇમ્મોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ (PITA) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આ રેકેટના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Gujarat Weather News: રાજ્યમાં ગરમીનો કહેર યથાવત, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે