ગુજરાતમાં દિવાળીના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. તેવામાં સુરતમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ગોટાલાવાડીના ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાંથી એક પુરુષનું નગ્ન હાલતમાં માત્ર ધડ મળી આવતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન આ પ્રકારની ઘાતકી હત્યાની ઘટના સામે આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે સ્થળ તપાસ હાથ ધરી છે.

કાયદો અને વ્યવસ્થા સામે લોકોમાં ગંભીર સવાલો 

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગોટાલાવાડીના ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાં સ્થાનિક સ્તરે એક અજાણ્યા પુરુષનું ધડ નગ્ન અવસ્થામાં જોવા મળ્યું હતું.આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં અરેરાટીનો માહોલ ફેલાઈ ગયો હતો.મૃતદેહનું માથું ગાયબ હોવાથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.દિવાળીના તહેવારના દિવસોમાં જ આ પ્રકારની હત્યાની ઘટના બનતાં કાયદો અને વ્યવસ્થા સામે લોકોમાં ગંભીર સવાલો ઊભા થયા છે.પોલીસ કાફલો તાત્કાલિક ગોટાલાવાડી કબ્રસ્તાન ખાતે દોડી આવ્યો હતો.પોલીસ વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

માથાની શોધખોળ માટે પણ વિશેષ ટીમો કામે લાગી

પોલીસે કબ્રસ્તાન અને તેની આજુબાજુના સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ આદરી છે તેમજ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત ગાયબ થયેલા માથાની શોધખોળ માટે પણ વિશેષ ટીમો કામે લગાડવામાં આવી છે. ઘટનાસ્થળે પ્રાથમિક પંચનામા સહિતની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે મૃતદેહના ધડનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ છતી કરવા અને આ ઘાતકી અપરાધને અંજામ આપનારા હત્યારાઓ સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Rajkot News: શહેરમાં તહેવારોની સિઝનમાં મિલકતના સોદામાં એક મહિનામાં 12.13 ટકાનો વધારો