સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કેમિકલયુક્ત ગંદા પાણીનો વીડિયો વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. આ વીડિયો કામરેજના કરજણ ગામનો છે, જ્યાં હિંદવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી નીકળતા કેમિકલવાળા પાણીને સીધું જ ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ પાઈપલાઈનમાંથી ગંદુ પાણી બહાર કાઢીને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ ખાડીનું પાણી આગળ જઈને સીધું જ તાપી નદીમાં ભળે છે, જેના કારણે નદીનું પાણી પ્રદૂષિત થવાનો મોટો ભય ઊભો થયો છે. આ ઘટના ઉદ્યોગો દ્વારા થતા પર્યાવરણના વિનાશનું ઉદાહરણ પૂરું પાડે છે.
પીવાના પાણીની યોજના પર જોખમ
આ કેમિકલયુક્ત પાણીની ગેરકાયદેસર નિકાલની ઘટના એટલા માટે પણ ગંભીર છે કારણ કે, આ સ્થળથી થોડે જ દૂર ગાય પગલાં જૂથ પુરવઠા યોજના કાર્યરત છે. આ યોજના દ્વારા આસપાસના 18 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જો આ કેમિકલવાળું પાણી ભૂગર્ભમાં કે અન્ય રીતે આ પુરવઠા યોજનાના સ્ત્રોતમાં ભળે, તો 18 ગામોના હજારો લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. આ ઘટનાએ ઉદ્યોગ અને પર્યાવરણના સંતુલન પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે આ મામલે કડક પગલાં લેવાની માંગ કરી છે.













