સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને છેતરપિંડીનો શિકાર બનાવતી ગડ્ડી ગેંગના મુખ્ય ભેજાબાજ મનોજ બાવરીને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો છે. આ ધરપકડ સાથે પોલીસે ગેંગના ચાર સભ્યોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટના સુરતના ચોક બજાર વિસ્તારમાં બની હતી. જેમાં એક વૃદ્ધ મહિલાને ગડ્ડી ગેંગના ત્રણ પુરુષ અને એક મહિલા સભ્યએ નિશાન બનાવી હતી.


મહિલાને કાગળની ગડ્ડી બતાવી પકડાવી કરી હતી લૂંટ 

આ ગેંગે મહિલાને કાગળની એક ગડ્ડી બતાવી હતી. જેના ઉપરના ભાગમાં સાચી ચલણી નોટો હતી અને અંદર કાગળના ટુકડા હતા. આરોપીઓએ આ ગડ્ડીમાં મોટી રકમ હોવાનું જણાવી વૃદ્ધ મહિલાને લલચાવી હતી. આરોપીઓએ વૃદ્ધ મહિલાને વિશ્વાસમાં લઈ તેમને આ કાગળની ગડ્ડી પકડાવી હતી. ત્યારબાદ તેમની પાસેથી સોનાની ચેન અને કાનની બુટ્ટી ઉતરાવીને ફરાર થઈ ગયા હતા.

અગાઉ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા

વૃદ્ધ મહિલાને છેતરાયાનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક ચોક બજાર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી અને ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને અગાઉ જ ઝડપી પાડ્યા હતા. જોકે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર મનોજ બાવરી ફરાર હતો. પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે. મનોજ બાવરીની ધરપકડથી આ પ્રકારના ગુનાઓને અંજામ આપતી અન્ય ગેંગ્સને પણ કડક સંદેશ મળ્યો છે.


  • Follow us on: