સુરત જિલ્લાના કીમ-ઓલપાડ રોડ પર એક અત્યંત દર્દનાક અને હૃદયકંપાવનારો હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ઝડપભેર ધસી આવેલી એક બોલેરો કારે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક યુવક બોલેરો કાર સાથે રોડ પર દૂર સુધી ઘસડાયો હતો. કાર સાથે ઘસડાવાના કારણે ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જી ભાગતા કાર ચાલકને સ્થાનિકોએ ઝડપ્યો

અકસ્માત સર્જાયા બાદ બોલેરો કારનો ચાલક માનવતા નેવે મૂકીને વાહન સાથે ઘટનાસ્થળેથી ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, અકસ્માતના આ ભયાનક દ્રશ્યો જોઈને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. લોકોએ ભાગવાની કોશિશ કરી રહેલા બેફામ કાર ચાલકનો પીછો કરીને તેને થોડે દૂર જ કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

કીમ પોલીસ ઘટનાસ્થળે, કાયદેસરની તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ કીમ પોલીસ મથકનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકો દ્વારા પકડાયેલા બોલેરો ચાલકને પોલીસે તાબામાં લઈને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat ના કતારગામમાં કરોડોનું હીરા કૌભાંડ, કેરળની ત્રિપુટી રૂ. 1.53 કરોડના હીરા લઈ ગાયબ!