સુરતના ઉધના વિસ્તારમાં એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકની ચપેટે આવી જતાં એક આધેડ વયના વ્યક્તિ ટ્રકના ભારે પૈડાં નીચે દબાઈ ગયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં આધેડના કમરથી નીચેના બંને પગ સંપૂર્ણપણે છુંદાઈ જતાં સ્થળ પર ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

સ્થાનિકોએ ટ્રક ચાલક જસવિંદરને અટકાવ્યો

અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. દુર્ઘટના સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ટ્રક ચાલકને સ્થાનિક લોકોએ ઘટનાસ્થળેથી થોડે દૂર જઈને હિંમતપૂર્વક અટકાવી દીધો હતો. તુરંત જ ઈજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ કાફલો ઘટનાસ્થળે, ચાલકની પૂછપરછ શરૂ

ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત જ બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક જસવિંદરને તાબામાં લઈને વધુ પૂછપરછ અર્થે પોલીસ સ્ટેશને લઈ જવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને અકસ્માતના કાનૂની પાસાઓ પર તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Bhavnagar News : નકલી દારૂ કેસમાં SMC એક્શન મોડમાં, ગૌતમ સોલંકી અને MPના રઈસ સહિત 4 આરોપીઓ ઘરે પંચનામું