સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં થોડા દિવસો પહેલાં એક અજાણ્યા વૃદ્ધનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. માથાના ભાગે તીક્ષ્ણ અને ભારે વસ્તુ મારીને કરપીણ હત્યા કરાઈ હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. જોકે, પોલીસ સામે મોટો પડકાર એ હતો કે મૃતક કોણ છે અને ક્યાંથી આવ્યો છે તેની કોઈ વિગત ન હતી. લાંબા સમયની શોધખોળ છતાં કોઈ વાલીવારસ સામે ન આવતાં સુરત પોલીસે માનવતા દાખવી જાતે જ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સ સામે મર્ડરનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
100 CCTV કેમેરાના ફૂટેજે ખોલ્યું રહસ્ય
હત્યાનો કોઈ ચોક્કસ ચશ્મદીદ ન હોવાથી જહાંગીરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે હ્યુમન સોર્સ તેમજ ડિજિટલ મોનિટરિંગનો આશરો લીધો હતો. પોલીસે ઘટનાસ્થળ તરફ આવતા અને જતા તમામ માર્ગો, દુકાનો, સર્કલ અને ખાનગી બિલ્ડિંગોના અંદાજે 100 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મધ્યરાત્રિ સુધી બેસીને ચેક કર્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદ ઇસમ હાથમાં લાકડું લઈને ભાગતો દેખાયો હતો. સ્થાનિક બાતમીદારોની મદદથી આ શખ્સની ઓળખ કિશોર ઉર્ફે મોતીરામ પટેલ તરીકે થઈ હતી અને પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો.
