દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસું આક્રમક બન્યું છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી અનુસાર, રાજ્ય પર ઓફશોર ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની સીધી અસરને કારણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી સમય માટે 'રેડ એલર્ટ' જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

24 કલાકમાં રાજ્યના 172 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ રમી છે. જૂનાગઢ પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ વચ્ચે માંગરોળમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ આભ ફાટ્યું હોય તેમ 13 ઇંચ અને વેરાવળમાં 10 ઇંચથી વધુ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત કેશોદમાં 11 ઇંચ, માળિયા હાટીનામાં 10.5 ઇંચ અને માણાવદરમાં 9 ઇંચ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ જળમગ્ન બન્યા છે અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આશંકા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે દક્ષિણ ગુજરાતના નવસારી, બોઈસર, વાપી અને વલસાડમાં મેઘો મહેરબાન થશે અને અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 


https://youtu.be/UGUJj3mS1sk 

વડોદરા, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ

વડોદરા, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ, મધ્ય ગુજરાતના આણંદ, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને રાજકોટમાં પણ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની ધારણા છે.

ઉત્તર ગુજરાતમાં પણ પડ્યો વરસાદ

ઉત્તર ગુજરાતના ખેરાલુમાં પણ મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદની સ્થિતિને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. 


આ પણ વાંચો---    Sandesh Digital Explainer : ગુજરાતમાં નબળા ચોમાસાની આશંકા, પાકને બચાવવા વાંચો લાઈફ સેવિંગ ગોલ્ડન ગાઈડલાઈન