સુરતમાં સતત બીજા દિવસે હત્યાની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અલથાણ વિસ્તારમાં એક યુવકની ધોળા દિવસે સિમેન્ટના પતરાના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ સમગ્ર હત્યાકાંડ પાછળ મહિલાની છેડતીની અદાવત હોવાનું સામે આવ્યું છે, જેમાં પત્નીની લાજ બચાવવાના નામે પતિએ કાયદો હાથમાં લઈ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.
છેડતીની જાણ થતાં જ કાળ બનીને ત્રાટક્યો પતિ
પોલીસના સત્તાવાર સૂત્રો અને સ્થાનિક અહેવાલો અનુસાર, મૃતક રાહુલ રાજપૂત નામનો યુવક તે જ વિસ્તારમાં રહેતી આરોપી રાજીવની પત્નીની અવારનવાર છેડતી કરતો હોવાનો આક્ષેપ છે. આજે પણ રાહુલે મહિલાની છેડતી કરતા પીડિત પત્નીએ તુરંત જ આ અંગે પોતાના પતિ રાજીવને ફોન પર જાણ કરી હતી. પત્નીની છેડતી થઈ હોવાની વાત સાંભળતા જ રાજીવનો પિત્તો ગયો હતો અને તે ક્રોધે ભરાઈને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાજીવે ત્યાં ઉભેલા રાહુલ રાજપૂત સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ આસપાસ પડેલા સિમેન્ટના ભારે પતરા વડે તેના પર તૂટી પડ્યો હતો.










