ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હાર્ટ અટેકના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક અત્યંત હચમચાવી દેતી ઘટના રાજકોટ ખાતેથી સામે આવી છે, જ્યાં જામનગરની 14 વર્ષની માસૂમ કિશોરી આનંદી મોદીનું હાર્ટ અટેકના કારણે આકસ્મિક અવસાન થયું છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે રાજકોટ ખાતે પોતાના મામાના ઘરે વેકેશન ગાળવા અને ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવા આવેલી દીકરી કાળનો કોળિયો બની જતાં બંને શહેરોમાં રહેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
રમતા રમતા જમીન પર ઢળી પડી માસૂમ
પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના પ્રખ્યાત ચાંદી બજાર વિસ્તારમાં રહેતા મોદી પરિવારની 14 વર્ષની દીકરી આનંદી રાજકોટ આવી હતી. અહીં પરિવારના સભ્યો સાથે તે બહાર એક રેસ્ટોરન્ટમાં જમવા માટે ગઈ હતી. રેસ્ટોરન્ટમાં આનંદથી ભોજન લીધા બાદ, આનંદી ત્યાં હાજર અન્ય નાના બાળકો સાથે રમી રહી હતી. હસતા-રમતા ચહેરા વચ્ચે અચાનક જ કાળ ત્રાટક્યો હોય તેમ આનંદી છાતીમાં અસહ્ય દુખાવા સાથે બેભાન થઈને સીધી જમીન પર ઢળી પડી હતી. દીકરીને અચાનક જમીન પર પડેલી જોઈને પરિવારના સભ્યોના જીવ અધ્ધર થઈ ગયા હતા.










