અંબાજીને વૈશ્વિક કક્ષાનું તીર્થધામ બનાવવા માટે મહાત્વાકાંક્ષી કોરિડોર પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટના સુચારૂ અમલીકરણ માટે આજે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'ઓપરેશન દબાણ ૨.૦' શરૂ કરવામાં આવ્યું છે. ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી (DySP) સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ સવારથી જ અંબાજીના અલગ-અલગ ચાર વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી અને બુલડોઝર ફેરવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.


રેવન્યુ અને પંચાયતની જમીનો કરાશે લાઇન-ક્લિયર

તંત્રના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કામગીરી મુખ્યત્વે મહેસૂલ વિભાગ (રેવન્યુ) અને અંબાજી ગ્રામ પંચાયત હસ્તકની જમીનો પર થયેલા ગેરકાયદે ધાંધા-ધાપા હટાવવા માટે કરવામાં આવી રહી છે. આજે એક જ દિવસમાં ૩૦થી વધારે મોટા કોમર્શિયલ અને રહેણાંક પાકા દબાણો તેમજ રસ્તા નડતરરૂપ નાના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોરિડોરની શરૂઆતી કામગીરીમાં રબારી વાસ વિસ્તારમાંથી રેકોર્ડબ્રેક 85 જેટલા મોટા દબાણો સફળતાપૂર્વક હટાવી દેવાયા હતા, જેના કારણે હવે આગળનો માર્ગ મોકળો બન્યો છે.

શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂર્ણ કરવા કડક બંદોબસ્ત

દબાણ હટાવવાની આ પ્રક્રિયા દરમિયાન સ્થાનિક સ્તરે કોઈ વિરોધ ન થાય અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે અંબાજી પોલીસ અને વધારાની એસઆરપી (SRP) ની ટુકડીઓ સહિતનો કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રશાસન અને પોલીસની સંયુક્ત ટીમો 4 મોરચે વહેંચાઈને અત્યંત શાંતિપૂર્ણ પરંતુ મક્કમતાથી કામગીરી આગળ ધપાવી રહી છે. કોરિડોર બન્યા બાદ અંબાજી આવતા લાખો માઈભક્તોને ટ્રાફિક જામ અને સાંકડા રસ્તાઓથી કાયમી મુક્તિ મળશે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર કોઈપણ દબાવમાં આવ્યા વગર આ ઝુંબેશ ચલાવી રહ્યું છે.

આ પણ વાંચો: Mehsana: દાતાની ભક્તિ પર વેપાર હાવી! બસ સ્ટેન્ડનું બોર્ડ કપડાથી ઢાંકીને સરકારી મિલકત ખાનગી પેઢી બનાવી દીધી

  • Follow us on: