વિસનગર તાલુકામાં આવેલા કડા ગામમાંથી સરકારી અને જાહેર મિલકતો પર થતા ગેરકાયદેસર દબાણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડા ગામે આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધેશ્વરી માતાના મંદિરે દર્શનાર્થે આવતા દેશ-વિદેશના હજારો ભક્તો અને સ્થાનિક મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવેલું એસ.ટી. બસ સ્ટેન્ડ અત્યારે એસ.ટી. તંત્રના પાપે ખાનગી દુકાન અને પાર્લરમાં ફેરવાઈ ગયું છે. સ્થાનિક દબાણકારોએ આખા બસ સ્ટેન્ડ પર ગેરકાયદેસર કબજો જમાવીને ત્યાં પોતાનો અંગત વેપાર ધમધમતો કરી દીધો હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.


દાતા ગુણવંતભાઈ પંડિતના પવિત્ર આશય પર પાણી ફર્યું

પ્રાપ્ત વિગતો અનુસાર, આજથી આશરે ૨૦ વર્ષ પહેલાં કડા ગામના વતની અને ઉદાર દિલના દાતા ગુણવંતભાઈ પંડિતે મુસાફરો અને સિદ્ધેશ્વરી માતાના ભક્તોની સુવિધા માટે પોતાના સ્વખર્ચે એક સુંદર એસ.ટી. બસ સ્ટેન્ડનું નિર્માણ કરાવ્યું હતું. આ માળખું તૈયાર કરીને તેમણે એસ.ટી. વિભાગને લોકહિત માટે દાનમાં આપ્યું હતું. પરંતુ, સમય જતાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાનો લાભ લઈને કેટલાક તત્વોએ આ સરકારી બસ સ્ટેન્ડની અંદર ગેરકાયદેસર રીતે 'જય માતાજી પ્રસાદ ભંડાર' અને કટલરી-પાર્લર જેવી દુકાનો ખોલી દીધી છે. આ હરકત એટલી હદે શરમજનક છે કે દબાણકારોએ બસ સ્ટેન્ડના સત્તાવાર સરકારી બોર્ડ પર લીલું કપડું ઢાંકી દીધું છે જેથી કોઈને ખબર ન પડે કે આ બસ સ્ટેન્ડ છે.

નોટિસ છતાં દાદાગીરી યથાવત, પ્રજા ગરમીમાં શેકાય છે

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવતા કડા ગ્રામ પંચાયત અને મંદિર ટ્રસ્ટ દ્વારા દબાણકારોને જગ્યા ખાલી કરવા માટે સત્તાવાર નોટિસો પણ ફટકારવામાં આવી છે. જો કે, આ નોટિસોને ઘોળીને પી જઈને દબાણકારોએ હજુ સુધી બસ સ્ટેન્ડ ખાલી કર્યું નથી. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મંદિરે આવતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલા મુસાફરો બસ સ્ટેન્ડની અંદર બેસવાની જગ્યા ન હોવાથી બહાર રોડ પર તડકામાં શેકાવા મજબૂર બન્યા છે. કડા ગામના રહીશો અને ભક્તોએ મહેસાણા એસ.ટી. વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિસનગર સ્થાનિક વહીવટી તંત્રને સત્વરે આ આકસ્મિક કટોકટીમાં દખલગીરી કરી, બસ સ્ટેન્ડ પરથી ગેરકાયદેસર દબાણ હટાવીને તેને જનતા માટે ખુલ્લું કરવાની ઉગ્ર માંગ કરી છે.

આ પણ વાંચો: Mehsana: વિસનગર ભાજપના કોર્પોરેટર દીપક મોદીએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, રાજકીય આલમ સ્તબ્ધ

  • Follow us on: