સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશનનો મામલો હવે ભારે ગરમાયો છે. આ સમગ્ર ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના સવાલો ઉઠ્યા બાદ હવે તપાસનો દોર અત્યંત તેજ કરવામાં આવ્યો છે. પાલિકા કમિશનર એમ. નાગરાજન દ્વારા એસએમસીના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક હાઈપાવર તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં કુલ 6 સભ્યોની નિયુક્તિ કરાઈ છે. આ સમિતિ ડિમોલિશન દરમિયાન કયા નિયમો નેવે મૂકાયા અને કયા કર્મચારીઓની શું લિંક હતી તેની ઝીણવટભરી તપાસ કરશે. 





અધિકારીઓ પર શંકાની સોય ચીંધાઈ રહી છે

સુરતમાં સામે આવેલા ભૂતીયા ડિમોલિશનના મામલામાં મહાનગરપાલિકાના અધિકારીઓ પર શંકાની સોય ચીંધાઈ રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર,એક ખાનગી બિલ્ડરના ઈશારે મનપાના કથિત ભૂતિયા અધિકારીઓએ મળીને આ આખું ડિમોલિશન પાર પાડ્યું હતું. આ ઘટનાના દિવસે સવારે જ બિલ્ડર SMC ઓફિસ ખાતે અધિકારીઓને મળ્યો હોવાની પણ ચર્ચા છે.વાસ્તવમાં,બિલ્ડરના એક પ્રોજેક્ટ માટે 40 ફૂટનો રસ્તો કાઢવાનો હતો,જેની આસપાસ ઝુંપડપટ્ટીનો મોટો જમાવડો હતો.આ રસ્તો ખુલ્લો કરવાની બદ દાનતથી બિલ્ડરે તંત્રનો દુરુપયોગ કરીને નાસીર નગરામાં આવેલા 100થી પણ વધુ મકાનોને એક જ ઝાટકે જમીનદોસ્ત કરાવી દીધા જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે વિવાદ વકર્યો છે.

વિવાદિત જમીનના માલિક અને બિલ્ડર વચ્ચે બેઠક

આ સમગ્ર વિવાદ જે જમીનને લઈને થયો છે તે જગ્યા અને પ્રોજેક્ટ વાળી જમીન મૂળ ગુલીબેન પાલિયા નામની મહિલાની હોવાનું સામે આવ્યું છે.આ જમીન પર મોટા પાયે ઝૂપડપટ્ટી આવેલી હતી.ઘટનાની ગંભીરતાને જોતાં સંદેશની ટીમ સીધી જમીન માલિક ગુલીબેન પાલિયાના ઘરે પહોંચી હતી.જ્યાં વિવાદિત જમીનના માલિક અને બિલ્ડર્સ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં આ મામલે મનપાના ભ્રષ્ટ અધિકારીઓ સામે કાયદાકીય તલવાર લટકી રહી છે અને બિલ્ડર તથા જમીન માલિક વચ્ચેની આ ગોઠવણની સચ્ચાઈ બહાર લાવવા તપાસ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા છે.

વૃદ્ધાનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ

બીજી તરફ આ ઘટનામાં એક વૃદ્ધાનો વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બિલ્ડર સંજય લાખાણી મહિલાના ઘરમાં ગયા બાદ આ વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ કથિત વીડિયોમાં વૃદ્ધાએ એક નિવેદનમાં એવું કહ્યું હતું કે, પાલિકાએ જમીનનો કબજો લેવા માટે આ ડિમોલિશન કર્યું છે. આખા ઘરમાં આ વૃદ્ધા એકલા જ રહે છે. તે વિરોધ કરનારાઓની વિરૂદ્ધમાં અલગ અલગ પ્રકારના નિવેદન આપી રહ્યાં છે. તે વીડિયોમાં એવું કહે છે કે, સુરત જિલ્લાના બ્રિજ પાસે અમારી જમીન છે. અમે અમારી જમીન સ્કૂલ બનાવવા કોર્પોરેશનને દાનમાં આપી હતી. 

વૃદ્ધાનું આ નિવેદન ઘણું શંકા ઉપજાવનારૂ છે

વાયરલ થયેલા કથિત વીડિયોમાં વૃદ્ધા એવું પણ કહે છે કે, હાલમાં જે ઓહાપોહ ચાલી રહ્યો છે તેમાં સમાજના કહેવાતા આગેવાનો પોતાની રોટલી શેકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વૃદ્ધાનું આ નિવેદન ઘણું શંકા ઉપજાવનારૂ છે. વાયરલ થયેલા વીડિયોમાં પણ ઘણા રીટેક લેવાયા હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડરે આ વીડિયો બળજબરીથી બનાવ્યો હોવાની શંકા સ્પષ્ટ દેખાઈ રહી છે. બિલ્ડર ઘરમાં ગયા બાદ વૃદ્ધાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દેવાયો હતો. આસપાસના લોકોએ સંપર્ક કરતાં વૃદ્ધાનો ફોન બંધ આવતો હતો.  


આ પણ વાંચોઃ Anand News: મહિલા પોલીસ કર્મીએ લાંચના પૈસા સફાઈ કામદારના ખાતામાં નંખાવ્યા,આખરે ACBની ટ્રેપમાં ફસાઈ


  • Follow us on: