સુરતના ઓલપાડમાં 28 વર્ષ જૂના બનાવટી માર્કશીટ અને ખોટા શાળા છોડ્યાના પ્રમાણપત્રના આધારે પ્રવેશ મેળવવાના કેસમાં ઓલપાડ કોર્ટે ચુકાદો આપ્યો છે. વર્ષ 1998માં ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ બનાવટી માર્કશીટ અને શાળા છોડ્યાના પ્રમાણપત્રના આધારે ઓલપાડ આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવ્યો હતો. આ કેસમાં આરોપીઓને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

ખરાઈ દરમિયાન કૌભાંડનો પર્દાફાશ

ગાંધીનગર અને શાળા કક્ષાએ દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારબાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ હતી. લાંબા સમયથી સુરત કોર્ટમાં ચાલી રહેલો આ કેસ વર્ષ 2018માં ઓલપાડ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ફરિયાદ પક્ષની દલીલો બાદ ચુકાદો

કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને દલીલોને ધ્યાને રાખીને કોર્ટે વિવિધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ આરોપીઓને સજા ફટકારી હતી. ઓલપાડ સિવિલ કોર્ટનાં સરકારી વકીલ રાધાબેન આર. ચુઘે કેસમાં ધારદાર રજૂઆત કરી હતી.

8 આરોપીઓમાંથી 3ને જેલમાં મોકલાયા

આ કેસમાં કુલ 8 આરોપીઓ સામે કાર્યવાહી થઈ હતી. તેમાંથી 3 આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે. અન્ય 2 આરોપીઓનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, જ્યારે 1 આરોપીને હાઈકોર્ટે ડિસ્ચાર્જ કર્યો છે. હજુ 2 આરોપીઓ વોન્ટેડ છે.

ગેરહાજર આરોપીઓ સામે સજા વોરંટ

ગેરહાજર આરોપીઓ સચિન અને હેમંત સામે સજા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું છે. તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


આ પણ વાંચો :   Delhi Policeનું સુપ્રીમમાં સોગંદનામું, પત્રકારોને કામ કરતા રોક્યા નથી, રીલ બનાવનારાઓને કાયદામાંથી મુક્તિ નહીં