સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી વધુ એક મોટી ઘરફોડ ચોરીની ઘટના પાંડેસરા ઔદ્યોગિક વસાહતની નજીક આવેલા ગીતા નગર વિસ્તારમાંથી પ્રકાશમાં આવી છે. અહીં તસ્કરો એટલા બેફામ બન્યા છે કે તેમને પોલીસના નાઇટ પેટ્રોલિંગનો કોઈ ડર રહ્યો નથી. ગીતા નગરમાં આવેલી એક જાણીતી જ્વેલર્સની દુકાનમાંથી તસ્કરો રાતોરાત લાખો રૂપિયાના દાગીના સાફ કરી જતાં સમગ્ર સુરતના સોની બજારના વેપારી મંડળોમાં ફફડાટ અને તીવ્ર અસંતોષ વ્યાપી ગયો છે.
પતરું કાપીને ઓપરેશન પાર પાડ્યું
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ જ્યારે સમગ્ર વિસ્તાર સૂતો હતો, ત્યારે તસ્કરોની ટોળકી કટર અને લોખંડ કાપવાના હથિયારો સાથે જ્વેલર્સની દુકાનની પાછળના ભાગેથી છત પર ચડી ગઈ હતી. તસ્કરોએ દુકાનની છત પર લગાવેલું મજબૂત લોખંડનું પતરું વ્યવસ્થિત રીતે કાપી નાખ્યું હતું અને તેમાંથી બનાવેલા ગાબડા વાટે એક પછી એક તસ્કરો દુકાનની અંદર ઉતર્યા હતા. દુકાનમાં રાખવામાં આવેલા કાઉન્ટર અને તિજોરી આસપાસ તપાસ કરીને તસ્કરોએ અંદાજે 15 કિલો જેટલા સોના-ચાંદીના કિંમતી દાગીના, જેની બજાર કિંમત 20 લાખ રૂપિયાથી વધુ થાય છે, તેને થેલામાં ભરીને જે રસ્તે આવ્યા હતા તે જ રસ્તેથી હવામાં ગાયબ થઈ ગયા હતા.
વેપારીનો પોલીસ સામે આક્રોશ અને ગંભીર આક્ષેપ
ચોરીની આ ઘટના બાદ જ્વેલર્સના માલિકે પોલીસની નબળી કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. વેપારીના જણાવ્યા મુજબ, છેલ્લા ચાર વર્ષની અંદર તેમની જ દુકાનને તસ્કરોએ ચોથી વખત નિશાન બનાવી છે. આ પૂર્વે બરાબર ૬ મહિના પહેલા પણ તસ્કરો છત તોડીને ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ તે સમયે વેપારી અને આસપાસના લોકો જાગી જતાં તસ્કરો કાંઈ પણ લીધા વિના ભાગી છૂટ્યા હતા. જ્યારે વેપારી આ બાબતે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસે "ચોરી થઈ જ નથી તો ગુનો શેનો નોંધવો?" તેમ કહીને માત્ર અરજી લઈને સંતોષ માન્યો હતો અને સત્તાવાર FIR લેવાની સાફ ના પાડી દીધી હતી. જો પોલીસે ત્યારે જ નક્કર કાનૂની કાર્યવાહી કરીને તસ્કરોને પકડ્યા હોત, તો આજે આ 20 લાખની મોટી ચોરીનો ભોગ બનવું પડત નહીં. હાલમાં પાંડેસરા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે. દુકાનની અંદર અને બહારના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા છે, જેમાં રાત્રે 2 વાગ્યાની આસપાસ કેટલાક શંકાસ્પદ ઈસમો રેકી કરતા અને છત પર ચડતા નજરે પડ્યા છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતમાં પોલિયો મુક્ત અભિયાનનો પ્રારંભ, મુખ્યમંત્રીએ ગાંધીનગરથી કરાવ્યો શુભારંભ