રાજકોટ શહેરમાં પ્રોહિબિશન એન્ડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરીને સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે માત્ર 9 દિવસના ટૂંકા ગાળામાં સઘન ઝુંબેશ ચલાવીને આ નેટવર્ક સાથે જોડાયેલા કુલ 20 આરોપીઓની ધરપકડ કરી છે.આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 38 જેટલા ગેરકાયદેસર હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની આ કામગીરીને કારણએ ગુનાખોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
15 હજાર રૂપિયામાં ગેરકાયદેસર હથિયારો ખરીદતો
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આખી ગેરકાયદેસર સિન્ડિકેટ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો રહેવાસી સકીલ સાદીક મન્સુરી નામનો શખ્સ ચલાવી રહ્યો હતો. એમપી.ના ધાર ગામની કુખ્યાત ચીખલીઘર ગેંગ પાસેથી સકીલ માત્ર 10 થી 15 હજાર રૂપિયામાં ગેરકાયદેસર હથિયારો ખરીદીને લાવતો હતો.ત્યારબાદ તે આ હથિયારોને ગુજરાતમાં પોતાના સ્થાનિક સપ્લાયરો મારફતે વેચતો હોવાનું ખુલાસો થયો છે.
