સુરતમાં જમીન ક્લિયર કરાવવાના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કતારગામ વિસ્તારના એક વેપારી પાસે સરકારી જમીન ક્લિયર કરાવી આપવાના બહાને ગાંધીનગરના એક શખ્સે કુલ રૂપિયા 1,05,00,000 (1.05 કરોડ) પડાવી લીધા હોવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે.

કતારગામના વેપારી સાથે 1.05 કરોડની ઠગાઈ

મળતી માહિતી મુજબ, ગાંધીનગર ખાતે રહેતા ગાંડાભાઈ કચરાભાઈ પ્રજાપતિ નામના શખ્સે કતારગામના વેપારીનો સંપર્ક કર્યો હતો. તેણે વેપારીને વિશ્વાસમાં લીધા હતા કે તે સરકારી કચેરીઓમાં વગ ધરાવે છે અને અટવાયેલી જમીનો ક્લિયર કરાવી શકે છે. આ લાલચમાં આવીને વેપારીએ અલગ-અલગ સમયે કુલ 1.05 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

જમીન ક્લિયરન્સના નામે ખેલ પાડ્યો

લાંબો સમય વીતવા છતાં જમીન ક્લિયર ન થતા અને નાણાં પરત ન મળતા વેપારીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. અંતે, ભોગ બનનાર વેપારીએ સુરત ક્રાઈમ બ્રાન્ચનો દરવાજો ખખડાવ્યો છે. પોલીસે ગાંડાભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા અને આ નાણાં ક્યાં સગેવગે કરાયા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ખજોદ ડમ્પિંગ સાઇટ પર તૈનાત થશે 17 'ડિજિટલ ચોકીદાર', આગનું સત્ય આવશે સામે