મોટા વરાછાના આઉટર રિંગરોડમાં રવિવારે સાંજે બેફામ દોડતી સ્કોર્પિયો કાર ચાલકે ત્રણ મહિલાને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બે મહિલાઓને સામાન્ય ઈજા પહોંચી હતી. સ્કોર્પિયો કાર પણ પલટી મારી ગઈ હતી.સદ્દનસીબે કારમાં સવાર મિત્રોનો પણ આબાદ બચાવ થયો હતો.

મોટા વરાછા વિસ્તારમાં અકસ્માત સર્જાયો

ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ પોતાની બહેનપણી હીનાબેન ગણેશભાઈ રાઠોડ અને સંગીતા શૈલેષભાઈ રાઠોડ સાથે મોટા વરાછા આઉટર રિંગરોડ પર આવેલા આસ્થા જ્ઞર્મમાં લગ્નપ્રસંગે કેટરિંગ મજૂરી માટે ગયા હતા.સાંજના સમયે ત્રણેય મહિલાઓ નજીકની દુકાનેથી નાસ્તો લેવા પગપાળા જઈ રહી હતી. તે દરમિયાન હરિહર કાઠિયાવાડી ગાર્ડન રેસ્ટોરન્ટ નજીક પુરપાટ અને ગફલતભરી રીતે દોડતી સ્કોર્પિયો કારચાલક રોશન ચંદુભાઈ માલવિયાએ પાછળથી ટક્કર મારી હતી.

અકસ્માતમાં એકનું મોત, 2 ને ઈજા પહોંચી

ટક્કર બાદ કાર પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટીનુબેનને ગંભીર ઈજા થતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે હીના અને સંગીતાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપી રજા અપાઈ હતી.મૃતક ટીનુબેનને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. તેમના પતિનું અગાઉ અવસાન થયું છે અને પુત્ર ખેતમજૂરી કામ કરે છે. આ બનાવ અંગે ઉત્રાણ પોલીસે આરોપી કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે મોટા વરાછા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

સુરતના આઉટર રિંગરોડ પર કારચાલક બેફામ

રોશન માલવિયાએ પોતાના મિત્રો જય જાદવ, વિવેક ગાબાણી, પ્રિત તળાવિયા અને હેત માલવિયા સાથે રવિવારે મોજમસ્તી માટે એક દિવસના ભાડે સ્કોર્પિયો કાર લીધી હતી. પાંચેય મિત્રો દિવસભર શહેરમાં ફર્યા હતા. સાંજે મોટા વરાછા આઉટર રિંગરોડ પર ફરતા દરમિયાન રોશન કાર ચલાવી રહ્યો હતો. પુરઝડપે દોડતી કાર અચાનક પગપાળા જતી ત્રણ મહિલાને અડફેટે લેતાં કાર દૂર સુધી ફંગોળાઈ બે-ત્રણ વાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ચાલક રોશનને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય ચાર મિત્રોનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચોઃ Tharad: પરિણીતાએ આગથળા પોલીસમાં યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી