સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી વિસ્તારમાં નવરાત્રિના અંતિમ દિવસે ગરબાના આયોજન સ્થળે ગંભીર બબાલ થતાં મામલો બિચક્યો હતો. આ મારામારીની ઘટના પાછળનું મુખ્ય કારણ એક છોકરીની છેડતી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, ગરબા જોવા આવેલા અમુક યુવાનો દ્વારા એક છોકરીની છેડતી કરવામાં આવી હતી, જેની જાણ થતાં ગરબાના આયોજકોએ આ બાબતે યુવાનોને ટકોર કરી હતી અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ટકોર યુવાનોને ગમી ન હતી અને તેનાથી તેઓ ઉશ્કેરાયા હતા, જેના પરિણામે સમગ્ર મામલો મારામારીમાં પરિણમ્યો હતો.
50 યુવાનોએ 3 આયોજકોને માર માર્યો
આયોજકની ટકોર બાદ મામલો શાંત થવાને બદલે વધુ વણસ્યો હતો. છેડતીની બાબતે ટકોર કરનાર આયોજકો પર લગભગ 50 જેટલા યુવાનોના ટોળાએ એકસાથે હુમલો કર્યો હતો. આ યુવાનોએ ગરબાના ત્રણ આયોજકોને બેફામ માર માર્યો હતો. ગરબાના મેદાનમાં અચાનક થયેલી આ મારામારીને કારણે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી અને અન્ય લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે ઇજા પામેલા ત્રણેય આયોજકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.













