ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઠગબાજો દ્વારા લોકોના વોટ્સએપ પર RTOના ઈમેમોનો મેસેજ મોકલીને ઠગાઈ આચરવામાં આવી રહી છે. સિંગણપોરના યુવકને મોબાઈલ પર બોગસ RTO ચલણની લિંક મોકલી ફોનનું એક્સેસ મેળવી ગણતરીની મિનિટોમાં બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂ. ૧.૦૬ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લેવાયા હતા.
ફોનનું તમામ એક્સેસ અજાણ્યા ઠગ પાસે પહોંચ્યું
મળતી વિગતો પ્રમાણે સિંગણપોર ખાતે વેલપાર્ક સોસાયટીમાં રહેતા અને સચિનની લેબમાં નોકરી કરતા અક્ષયભાઈ રસિકભાઈ ભુવાને ગત તા.21ફેબ્રુઆરીના રોજ એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં RTO ચલણ ભરવાની એપીકે ફાઈલ હતી. અક્ષયભાઈએ જેવી આ ફાઈલ ઓપન કરી કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો અને ફોનનું તમામ એક્સેસ અજાણ્યા ઠગ પાસે પહોંચી ગયું હતું.
