સુરત શહેરમાં રિયલ એસ્ટેટ અને મિલકતોની લે-વેચમાં વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ બનાવીને ઠગાઈ કરતી ગેંગ અને સફેદપોશ ગુનેગારો બેફામ બન્યા છે. આવો જ એક હૃદયદ્રાવક અને કાયદાના લીરેલીરા ઉડાવતો કિસ્સો સચિન જીઆઈડીસી વિસ્તારના પ્લોટના માલિક એવા એક નિવૃત્ત વૃદ્ધ સાથે બન્યો છે. ફરિયાદી વૃદ્ધે પોતાના બાંધકામની સાઇટ પર કામ કરતા કોન્ટ્રાક્ટર હાર્દિકને સગો દીકરો સમજીને મોટો વિશ્વાસ મૂક્યો હતો. વૃદ્ધને નાણાંની જરૂરિયાત હોવાથી તેમણે સચિન GIDC નો પોતાનો કિંમતી પ્લોટ વેચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો ફાયદો ઉઠાવી કોન્ટ્રાક્ટર હાર્દિકે પોતે જ ગ્રાહક શોધી આપવાની જવાબદારી લીધી હતી.
દસ્તાવેજ કરાવી આખી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી
આરોપી કોન્ટ્રાક્ટર હાર્દિકે પ્લોટના ખરીદદારો સાથે આખી ડીલ નક્કી કરી લીધી હતી અને વૃદ્ધને વિશ્વાસમાં રાખી સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં લઈ જઈ પ્લોટનો પાકો દસ્તાવેજ કરાવી આપ્યો હતો. પ્લોટ વેચાણ પેટે ખરીદદાર તરફથી કરોડો રૂપિયાની રકમ આવી હતી. જોકે, આરોપી હાર્દિકે ચાલાકી વાપરીને આ રકમ વૃદ્ધના ખાતામાં જમા કરાવવાના બદલે અલગ-અલગ બહાને પોતાના હવાલામાં લઈ લીધી હતી. દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ્યારે વૃદ્ધે પોતાના રૂપિયા માંગ્યા, ત્યારે હાર્દિકે માત્ર 27.50 લાખ રૂપિયા આપીને બાકીના 2.83 કરોડ રૂપિયા ટુકડે-ટુકડે આપવાની ખાતરી આપી હતી, જે પાછળથી ક્યારેય ચૂકવ્યા ન હતા.
