સુરત શહેર પોલીસને ચકરાવે ચઢાવનારી રૂપિયા 50 લાખની બેંક લૂંટનો ભેદ આખરે ઉકેલાઇ ગયો છે.ક્રાઈમ બ્રાંચે યુપીના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાં ધામા નાંખી શાતિર ગેંગના બે સાગરીતોને પકડી પાડયા હતા.બંનેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસ યુપીથી સુરત આવવા રવાના થઇ હોવાનું જાણવા મળે છે.ગત તા.27મી એપ્રિલે ધોળે દિવસે સુરત વરાછા ખાતે SBI બેંકમાં છ લૂંટારુઓએ બેંક કર્મીઓને બંધક બનાવી 50 લાખ રૂપિયાની ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી.સનસનીખેજ આ લૂંટ ચલાવી આરોપીઓને શહેર પોલીસને પડકાર ફેંક્યો હતો.
કાઈમ બ્રાંચને ચકચાર લૂંટમાં મોટી સફળતા
લૂંટારુઓ માત્ર ચાલાક નહિ પરંતુ શાતિર પણ હતા.તેમણે લૂંટમાં લીધેલી ત્રણેય બાઈક નેશનલ હાઈવે 48થી બે કિલોમીટર અંદર આવેલા કન્યાસી ગામની સીમમાં એક અવાવરું ખેતરમાં ફેંકી દીધી હતી. આ બાઇકની નંબર પ્લેટ નકલી હોવાનું અને ચેસિસ નંબરમાં પણ ચેડાં કરાયા હતા.એક બાઇક તેલંગણાથી લેવાઇ હતી અને બીજી બાઈક સુરતથી જ ચોરી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.ચાલાક લૂંટારુંઓ ઉગત રોડના મકાનમાં રોકાયા હોવાનો પણ પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાંચ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી રહી હતી. દરમિયાન સપ્તાહની દોડધામ બાદ આખરે કાઈમ બ્રાંચને ચકચાર લૂંટમાં મોટી સફળતા સાંપડી હતી.
