ગુજરાતમાં દિવાળીના પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે.તેવામાં સુરતમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી હતી. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા ગોટાલાવાડીના ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાંથી એક પુરુષનું નગ્ન હાલતમાં માત્ર ધડ મળી આવતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.દિવાળીના પવિત્ર તહેવાર દરમિયાન આ પ્રકારની ઘાતકી હત્યાની ઘટના સામે આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની ગંભીરતા જોઈને પોલીસે સ્થળ તપાસ હાથ ધરી અને આખરે ધડથી અલગ થયેલું માથું મળી આવ્યું છે. જ્યારે પોલીસે હત્યારાની પણ ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે.
પોલીસ કાફલો તાત્કાલિક ગોટાલાવાડી કબ્રસ્તાન ખાતે દોડી આવ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગોટાલાવાડીના ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાં સ્થાનિક સ્તરે એક અજાણ્યા પુરુષનું ધડ નગ્ન અવસ્થામાં જોવા મળ્યું હતું.આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં અરેરાટીનો માહોલ ફેલાઈ ગયો હતો.મૃતદેહનું માથું ગાયબ હોવાથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.દિવાળીના તહેવારના દિવસોમાં જ આ પ્રકારની હત્યાની ઘટના બનતાં કાયદો અને વ્યવસ્થા સામે લોકોમાં ગંભીર સવાલો ઊભા થયા હતા.પોલીસ કાફલો તાત્કાલિક ગોટાલાવાડી કબ્રસ્તાન ખાતે દોડી આવ્યો હતો.પોલીસ વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન શહેર પોલીસને મોટી સફળતા મળી છે.
