અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા આચરવામાં આવેલા બળાત્કારના ઘૃણાસ્પદ બનાવ બાદ સુરત પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. નાગરિકો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત શહેર SOG પોલીસે સમગ્ર શહેરમાં સિક્યુરિટી એજન્સીઓ સામે એક મોટું અને આકસ્મિક સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું.
બિનતાલીમી ગાર્ડ્સ અને વેરિફિકેશન વગરનું મોટું જોખમ
સુરત એસઓજી પોલીસ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સુરત શહેરમાં ચાલી રહેલી અનેક એજન્સીઓ પાસે યોગ્ય લાયસન્સ ન હોવાનું ખૂલ્યું હતું. આ ઉપરાંત, આ એજન્સીઓ દ્વારા બિન-તાલીમ પામેલા સિક્યુરિટી ગાર્ડ્સને નોકરી પર રાખવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ગાર્ડ્સના બાયોડેટા કે પોલીસ વેરિફિકેશન કરાવ્યા વગર જ તેમને તૈનાત કરી દેવાયા હોવાનું પણ તપાસમાં સ્પષ્ટ થયું હતું.
સુરત શહેરના 8 વિસ્તારોમાં એસઓજીનો સપાટો
સુરત એસઓજી પોલીસની અલગ-અલગ ટીમોએ શહેરના સલાબતપુરા, અડાજણ, પાલ, લસકાણા, અશ્વિનીકુમાર, ડીંડોલી, સરથાણા અને ઉમરા જેવા 8 મુખ્ય વિસ્તારોમાં એકસાથે રેડ કરીને ચેકિંગ હાથ ધર્યું હતું. આ વિસ્તારોમાંથી નિયમોનું ઉલ્લંઘન કરતી એજન્સીઓને ઝડપી પાડવામાં આવી હતી.
14 એજન્સી સંચાલકો સામે ગુનો દાખલ, ધરપકડ કરાઈ
ગેરકાયદે એજન્સીઓ ચલાવતા અને સુરક્ષાના નિયમો નેવે મૂકનાર કુલ 14 સંચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. જેમાં જાહેરનામા ભંગના 8 કેસ અને પાસા એક્ટ હેઠળ 6 કેસ મળીને કુલ 14 ગુના નોંધી તમામ 14 સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદે એજન્સી ચલાવતા ભૂમાફિયાઓ અને સંચાલકોમાં ફાળ પડી છે.
આ પણ વાંચો - Gujarat Rainfall Deficit Explainer: ચોમાસાની વિચિત્ર ભાત, ક્યાંક ગાજ્યા અને વરસ્યા, તો ક્યાંક માત્ર વાદળાં ઘેરાયા