સુરત શહેરની અતિ આધુનિક અને 'હાઇટેક' ગણાતી લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. જેલ તંત્રની ઘોર બેદરકારીનો પર્દાફાશ કરતાં ગત રાત્રે વિજિલન્સની ટીમે અચાનક જેલ પરિસરમાં દરોડો પાડી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગત રાત્રે આશરે 8 વાગ્યાથી શરૂ થયેલી આ તપાસ સળંગ અઢીથી ત્રણ કલાક સુધી ચાલી હતી. આ આકસ્મિક તપાસ દરમિયાન કેદીઓની બેરેકમાંથી જે ચોંકાવનારો સામગ્રી જથ્થો મળી આવ્યો તેનાથી આખા જેલ પ્રશાસનમાં ભારે સનાટો છવાઈ ગયો છે.
11 મોબાઈલ, 10 સીમકાર્ડ અને 3 ચાર્જર જપ્ત
વિજિલન્સની ટુકડી દ્વારા હાથ ધરવામાં આવેલી આકરી તપાસ દરમિયાન કેદીઓ પાસેથી 11 જેટલા મોબાઈલ ફોન, 10 સીમકાર્ડ અને 3 ચાર્જર મળી આવ્યા હતા. જેલમાં બેસીને કેદીઓ દ્વારા અંદરથી જ નેટવર્ક ચલાવવામાં આવતું હોવાની આ ઘટના સામે આવ્યા બાદ તાત્કાલિક અસરથી સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ લાજપોર જેલમાંથી કેદીઓ પાસેથી અવારનવાર મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ બનેલી છે, તેમ છતાં જેલ સિક્યોરિટીમાં કોઈ સુધારો ન થતાં સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.
